છૂટાછેડા પવિત્ર છે:
ના કોઈ ભૂલ નથી થઇ લખવામાં. હા માન્યું કે લગ્નએ એક પવિત્ર બંધન છે પણ જયારે એ પવિત્ર બંધન બંધ નહિ પણ અંધ બનીને બંધન બની જાય ત્યારે છૂટાછેડા પવિત્ર બની જાય છે. હંમેશા જ સંબંધને ગમે તે હદે જઈને પણ સાચવી લેવાની વકાલત કરતો આવ્યો છું અને કરતો રહીશ. જયારે બે વ્યક્તિ સહજીવનમાં જોડાય છે ત્યારે બંનેના મનમાં હંમેશા એક ભ્રમ રહેતો હોય છે કે હું જ બધું સહન કરું છું પણ સહજીવનની વાસ્તવિકતા અને મધુરતા એ છે કે હકીકત માં બાંધછોડ બંને તરફથી થતી હોય છે. કોઈ એક ને લાગતું હોય કે હું જ સહન કરું છું તો એ એક ભ્રમ માત્ર હોય છે. સહજીવનમાં ભોગ આપવો જરૂરી છે પણ લેકિન કિન્તુ પરંતુ બંધુ જો તમને સહન કરવા જેવું લાગતું હોય તો ક્યાંકને ક્યાંક આતમમંથન ની જરૂર છે. કે શું હકીકતમાં સહન કરી રહ્યા છો કે પછી સંબંધની મધુરતા ની વચ્ચે આવી જતી થોડીઘણી ખટાશને સહન કરવાનું નામ આપવાની ભૂલ કરી રહ્યા છો? જો સહન કરી રહ્યા છો એ નિષ્કર્ષ પર આવો તો મારુ માનજો કે આવા લગ્નના બંધન કરતા છૂટાછેડા પવિત્ર છે. સંબંધને વેંઢારવો એના કરતા છુટા થઇ જવું સારું, પણ એ પહેલા એ જ સંબંધને બચાવી લેવાના પૂરતા પ્રયત્નો કરી છૂટવું. કોઈ છૂટાછેડા એટલે નથી લેતું હોતું કારણ કે પ્રેમ નથી, પરંતુ છૂટાછેડા એટલે થાય છે કારણ કે મૈત્રી નથી બંધાઈ હોતી. જો તમે લગ્ન પછી પણ બધી જ વાતો જીવનસાથી સાથે નથી કરી શકતા અને મિત્રને કરી શકો છો તો અર્થ એ થયો કે હજી પણ સપ્તમે સખા ભવ: નું વચન અધૂરું છે. અને જો આ વચન કદી પણ પૂરું નહિ થઇ શકે તેમ અઢળક પ્રયત્નો છતાંય બંનેને લાગતું હોય તો છૂટાછેડા પવિત્ર છે.
ઘણા લોકો એવા છે જે છૂટાછેડા લેતા માત્ર એટલે અચકાય છે કારણ કે એમને ડર હોય છે કે સમાજ શું કહેશે? સમાજમાં મારી કે મારા માતા-પિતાની આબરૂ નહિ રહે. તો પહેલાતો મને એ નથી સમજાતું કે આ સમાજને દરેક વાતમાં કહેવાનું અથવા કહીએ કે સંભળાવાનું કેમ હોય છે? શા માટે સમાજને દરેક વાતમાં પોતાનો મત આપવો જરૂરી જણાય છે એ પણ કોઈ પણ પૂરતી જાણકારી વિના? સમાજ ધીમે ધીમે એ દિશામાં જઈ રહ્યો છે જ્યાં બધા બીજા વિષે પોતાનો મત રજુ કરવામાં એટલા વ્યસ્ત છે કે પોતાની જાતને અરીસામાં જોવાનો કોઈની પાસે સમય નથી. સમાજે જયારે કોઈ છૂટાછેડાનો નિર્ણય કરે ત્યારે સમજવું જોઈએ કે કેટલો ત્રાહિત થઇ ગયો હશે એ સંબંધ કે છૂટાછેડાનો નિર્ણય લેવો પડ્યો હશે. સહજીવનનો સ્વીકાર કરીને લગ્નજીવન માં આવેલ કોઈ વ્યક્તિ પહેલાથી છુટા થવાના નિર્ણય સાથે પગલું નથી માંડતી પણ ક્યાંક ને ક્યાંક એ સંબંધ એની મધુરતા ખોઈ બેસે છે એટલે એ નિર્ણય લેવો પડે છે. હું હંમેશાથી માનતો આવ્યો છું કે સંબંધ બચાવવાના સઘળા પ્રયત્નો પછી પણ જો સંબંધ પોતીકો ના લાગે તો છુટા થઇ જવું જ બહેતર છે. સમાજ શું વિચારશે નો ડર રાખીને પોતાની જાતને હાનિ ના પહોંચાડાય. કારણ કે સમાજ તમારા દુઃખો માં ભાગીદાર થવા નહિ આવે એ તો બસ એમની આદત મુજબ બધા પર પોતાનો મત આપવા જ આવશે.
ઘરેલુ હિંસા એ છૂટાછેડાનું મહત્વ પૂર્ણ કારણ બની શકે છે. અને હિંસા નો ભોગ બનવા કરતા તો એવા સંબંધ નો અંત કરવો એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણાય. સભ્ય સમાજ ના લોકોને લાગે કે આ બધું હવે શક્ય નથી પણ દુર્ભાયપુર્ણ હકીકત એ જ છે કે આજે પણ ઘરેલુ હિંસાનો ભોગ સ્ત્રીઓ બની રહી છે અને અમુક શહેરોમાં તો આ મામલે સ્ત્રીઓ પણ ખભેખભા મિલાવીને પુરુષો પર હિંસા કરતી હોવાના કિસ્સા બહાર આવ્યા છે. દોષિત કોઈ પણ હોય સંબંધ તો અંત આવશ્યક બની રહે છે આવી ઘટનાઓ બાદ. આવા કારણો થી લેવાયેલ છૂટાછેડા લગ્નના બંધન થી વધુ પવિત્ર છે.
પરણીને આવ્યા બાદ જો ઘરની વધુ પર એ કારણથી અત્યાચાર કરવામાં આવે કે એ દહેજમાં કઈ લાવી નથી અથવા દહેજમાં ઓછું લાવી છે તો એવા સંબંધનો તો શરૂઆત પહેલા જ અંત સારો. જે સમયે દહેજની લાલસા દેખાવાની શરુ થાય એ સમયથી જ એ સંબંધ પર પડદો પાડી દેવો જોઈએ.
વૈવાહીક બળાત્કાર, ઘણા બધા લોકોને આ વાત જરા અજુગતી લાગશે. ખાસ કરીને સ્ત્રીઓએ તો પુરુષોની મરજી મુજબ જ રહેવું અને વર્તવું જોઈએ તેમ માનનારા લોકોને આવી કોઈ વાત અસ્તિત્વ નથી ધરાવતી તેમ લાગશે અથવા તો પોતે હંમેશા સારું વર્તન કરનારા અને આસપાસ ના લોકો ને પણ તેવા જ માનનારા લોકો આ બાજુનો સ્વીકાર નહિ કરી શકે પરંતુ આ પણ એક દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે. પ્રમાણ ઓછું હોવું એ અસ્વીકાર નું કારણ ના બની શકે. સંભોગ એ જબરદસ્તી થી નહિ પણ બે વ્યક્તિની સમજૂતી થી થાય તો જ આનંદની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય. જે વ્યક્તિ દુષ્કૃત્ય નો ભોગ બને તેને માટે એ સંબંધનો અંત એક માત્ર ઉપાય બની રહે છે. અને જે વ્યક્તિ દોષી હોય તેને સજા પણ થવી જોઈએ પણ દુર્ભાગ્ય છે કે અમુક સ્ત્રીઓએ જ 498 ની કલમ નો એટલો દુરુપયોગ કર્યો છે કે એને કારણે વૈવાહિક બળાત્કાર જેવા દુષ્કૃત્ય માટે કોઈ કાયદાકીય જોગવાઈ હજી સુધી અમલમાં નથી મૂકી શકાય. કારણ સરકાર અને કોર્ટ ને દર છે કે ક્યાંક આનો પણ ગેરલાભ ઉઠાવવામાં ના આવે. પરંતુ આવા દુષ્કુત્ય કરનાર વ્યક્તિ સાથે એક પળ પણ રહેવું એ પોતાનું અપમાન છે અને છૂટાછેડાનો નિર્ણય શ્રેષ્ઠ નિર્ણય છે.
સ્ત્રી દાક્ષિણ્ય નો અભાવ, સ્ત્રી દાક્ષિણ્યના મામલે ઘણી ખરી ચળવળ ચાલતી રહે છે અને એના ભાગરૂપે સુધારો જોવા મળી રહ્યો છે તે છતાં કેટલીક માન્યતાઓ જ એવી ઘર કરી ગઈ છે આપણા સૌના દિલ-દિમાગમાં કે જાણતા અજાણતા આપણે સ્ત્રીને એક પગથિયું નીચે માની લઈએ છે. અને આમાં પુરુષો જેટલી જ જવાબદાર સ્ત્રીઓ છે. સ્ત્રી પોતે જ પોતાનું મહત્વ ઓછું આંકે છે. એક સ્ત્રીએ સૌ પ્રથમ તો પોતાની જાતને મહત્વપૂર્ણ સમજવી જરૂરી છે અને એથી આગળ વધીને અન્ય સ્ત્રીઓનું માન એક સ્ત્રી તરીકે એને પોતે પણ જાળવવું. એક સ્ત્રીને જ અન્ય સ્ત્રી ચાહે એ સાસુ હોય, વહુ હોય કે પછી કોઈ સમવયસ્ક હોય પણ એટલા વાંધા છે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રી વિષે ઘસાતું બોલતા અચકાશે નહિ તો આમાં પુરુષો પાસેથી ક્યાં અપેક્ષા રાખવી? પહેલા તો સ્ત્રીએ સ્ત્રીનું મહત્વ સ્વીકારતા થવું પડશે અને બીજું જે પુરુષ સ્ત્રી દાક્ષિણ્ય નથી દાખવતો એને નકારતા શીખવું પડશે. જે ઘરમાં સ્ત્રી દાક્ષિણ્ય ના સચવાતું હોય એ ઘર ગમે તેટલું ધાર્મિક હોય છતાં પણ નાગુણું જ કહેવાય. સ્ત્રીએ કોઈ ઘરની શોભા માત્ર નથી કિન્તુ સન્માનને પાત્ર છે તે સમજવું જરૂરી છે. ઘરમાં તેનું સ્થાન વિશેષ હોવું જોઈએ. જો વહુ અને સાસુ સંપીને રહેતી થઇ જાય તો કોઈ પુરુષની તાકાત નથી કે કોઈ સ્ત્રીનું ભૂલથી એ અપમાન કરે. જે ઘરમાં સ્ત્રીનું માન-સન્માન જળવાતું ના હોય એ ઘરમાં એક પળ પણ રહેવું નહિ.
જો માતા-પિતાનો પુત્રી પ્રેમ કે પુત્ર પ્રેમ એટલો હદ વટાવી જાય કે એનું હવે સ્વતંત્ર જીવન છે એ વાતનો સ્વીકાર ના કરી શકે અને હજી પણ પોતાનું સંતાન પોતાની મરજી મુજબ જ વર્તે અને જીવન વિતાવે તેવી આશા રાખે અથવા તેના ઘરમાં પણ પોતાની મુજબના થાય તો એ ઘરમાં રીત રિવાજો વિષે એલફેલ બોલે અને પુત્ર કે પુત્રી પણ તેમને સમજાવાને બદલે પોતાના સાથી જોડે અન્યાય કરવાનું પસંદ કરે ત્યારે તેવા સાથીને સમજાવા છતાં એ સમજવા તૈયાર ના થાય અને પોતાના સાથીને અન્યાય કરવાનું ચાલુ રાખે ત્યારે છૂટાછેડા પવિત્ર થઇ જાય છે.
ટૂંકમાં જીવનસાથી જયારે માન-સન્માન જાળવવાનું હંમેશા ચુકી જાય અને પોતાની એ ભૂલોનો સ્વીકાર ના કરીને અન્યાય કરવાનું ચાલુ રાખે ત્યારે છૂટાછેડા લગ્ન કરતા વધુ પવિત્ર બની જાય છે. જે સંબંધમાં વિશ્વાસનું પ્રમાણ શૂન્ય થઇ જાય, શંકાનું પ્રમાણ હદ વટાવી જાય, ચરિત્ર પર વિના કારણે સમયે સમયે શંકા કર્યા કરે એ તમામ પરિબળો સંબંધના અંત ના કારણ બની શકે છે અને જો એનું સમાધાન ના કરી શકતા હોય ત્યારે છૂટાછેડા પવિત્ર સમાધાન સાબિત થાય છે.
આ બધા તો કારણો થાય કે જેમાં કોઈ એક સાથીનો દોષ હોય અને એટલે છુટાછેડાનો નિર્ણય લેવાયો હોય પરંતુ એવું પણ બને કે ઘણી વખત બે સારી વ્યક્તિ પણ સારા જીવનસાથી નથી બની શકતા કારણકે એ બંને પોતપોતાની રીતે સારા તો હોય છે પણ એકબીજા માટે સારા સાથી નથી બની શકતા. તો જયારે અસમાનતા સ્વીકારવી અશક્ય બની જાય અને સતત કંકાશ જ થતો હોય અથવા તો પરણ્યા છે તો નિભાવવું પડશે માનીને ઘસડી રહ્યા હોઈએ ત્યારે જોડે રહીને દુઃખી રહેવા કરતા છુટા થઇ જવું વધુ બહેતર ઉપાય સાબિત થાય. અને હકીકતે આ જ સૌથી વધુ સ્વીકારી ના શકાય એવી બાબત બની જાય છે લોકો માટે. માન્યું કે બંને વ્યક્તિ સારી છે પણ જો એકબીજાની અસમાનતા એ હદ વટાવી ચુકી હોય કે જ્યાં એનો સ્વીકાર સાવ અશક્ય બની જાય તો એકબીજાથી માનપૂર્વક છુટા થઇ જવું કઈ ખોટું નથી. સબંધ થોડુંક જતું કરીને, નમતું મુકીને નિભાવી જાણવો વધુ સારો, પણ વેઢાંરવો પડે તેના કરતાં અંત લાવવો સારો. અને સહજીવનમાં વેઠેલી પીડાને નફરતનું રૂપ આપવાની કોઈ જરૂર નથી. ના ફાવ્યું,ના સ્વીકારાયું. ભલે, વધુ સારી અને શાંતિ વાળી જીંદગી માટે છુટા પડ્યા, પણ નફરત કેમ? બને કે છુટા પડ્યા પછી પણ જોઈતું સુખ ના મળ્યું એટલે નફરત વાત વૃક્ષ બનવા ધખારા મારતી હોય પણ એના મૂળિયાને પાણી ના દેશો. રોજ રોજ ગાંઠ મારવી પડતી હોય તેના કરતાં છૂટાછેડાનું પગલું લેવાય તો એ પવિત્ર જ રહે.
– વિશાલવાણી.
એક્સટ્રા નોટ:- રશિયા ના શ્રેષ્ઠતમ લેખકોમાંના એક એવા ચેખોવ નું કહેવું છે કે “જો તમને એકલતાનો દર લાગતો હોય તો લગ્ન ના કરતા.” (“If you are afraid of loneliness, don’t marry.”-Anton Chekhov)
અને અમેરિકા ના રોબિન વિલિયમ્સ નું કહેવું છે “હું માનતો હતો કે જિંદગીમાં સૌથી ખરાબ છે કુંવારા હોવું, પણ ના, જીવનમાં સૌથી ખરાબ છે એવી વ્યક્તિ સાથે જીવન વ્યતીત કરવું જે હોવા છતાં તમને એકલા હોવાનો અહેસાસ કરાવે.” (I used to think that the worst thing in life was to end up alone. It’s not. The worst thing in life is to end up with people who make you feel alone. – Robin Williams)
