છૂટાછેડા

લોકો કહે છે આજકાલ છૂટાછેડા નું પ્રમાણ ખુબ વધી રહ્યું છે કારણ કે બે વ્યક્તિ ફક્ત આકર્ષણનો શિકાર બનીને લગ્ન તો કરી લે છે પણ પછી જેમ જેમ એકબીજાને સમજે છે ત્યારે જાણે છે કે આની જોડે જીવનના જીવાય. પ્રેમ નહિ પણ આકર્ષણ ને કારણે આમ થાય છે. પણ મારુ માનવું અલગ છે. આવા કારણે થતા છુટા છેડાનું પ્રમાણ કઈ 100 એ 100 કે 80 નું નથી પણ 20 મહત્તમ માની શકાય. પણ જો મોટાભાગે કારણોની હકીકત જાણવા પ્રયાસ કરવામાં આવે તો એક નહિ ઘણા કારણો જાણવા મળે જે દરેક ને સમજવા અને એને ટાળવા પ્રયત્ન કર્યા જેવો. ચાલો તો કારણો ની સમીક્ષા કરીએ અને પ્રયત્ન કરીએ એનું નિરાકરણ લાવવા.

1) દીકરીનો ઉછેર. મહત્તમ ઘરો નાનપણ થી જ દીકરીને પારકા ઘરની ઘણીને ઉછેરવામાં આવે છે. એને વાતે વાતે ટોકવામાં આવે. આમ નહિ બેસવું થી લઈને આમ નહિ કરવું જેવી તમામ બાબતે. થોડી જ મોટી થાય ને એને સાસરીમાં જઈને આમ કરીશ તો એ લોકો કહેશે કે તારી માં એ તને સંસ્કાર નથી આપ્યા કરીને એના મનમાં સાસરી માટે ભય પેદા કરવામાં આવે છે. એના મનમાં સાસરીની એક ચોક્કસ છાપ ઉપસાવી કાઢવામાં આવે છે. શા માટે આપણે આપણી દીકરીને આપણી પોતાની દીકરી તરીકે ના ઉછેરીએ? આ બધી વાતો તો ત્યારની હતી જયારે બાળ-લગ્ન કરાવી દેવામાં આવતા હતા. આપણે બાળ લગ્ન ની પ્રથા તો નાબૂદ કરી પણ એની સાથે સંકળાયેલી બાકીની વાતો હજી પણ ચાલતી જાય છે. વળી ઘરમાં ભાય હોય અને એને કઈ ના કહે અને વાતે વાતે દીકરીને જ ટોકે એટલે એના મનમાં પણ ક્યાંકને ક્યાંક એક છૂપો અણગમો ઉભો થાય. નાનપણ થી એ જ શીખવીએ કે છોકરીએ જ બધું સહન કરવાનું પુરુષો તો જલસા જ કરે એટલે પછી એ વાત એના મનમાં એટલી ઠસી જાય કે એકાદ વાતે પણ કઈ સમાધાન કરવાનું આવે એટલે બધું સ્ત્રીએ જ સહન કરવાનું હોય વળી વાત મનમાં ઊંડાણમાંથી બહાર આવે અને જ્વાળામુખી ફાટે. ઉછેરની રીત બદલવી જ પડશે બાકી આ સમાજમાંથી લગ્ન પ્રથાનો અંત થઇ જશે.

2) દીકરી પરણીને સાસરે આવે ત્યારે સાસરી વાળા એ જાણે મશીન હોય એ રીતે વર્તન કરે છે. જાણે સ્વિચ દબાવી અને હવે સાસરીનું ફોરમેટ એના દિમાગ માં ફિટ થઇ ગયું જાણે. પરણ્યાની બીજી સવારથી છોકરીએ સાસરી વાળના થઇ જવાનું. એવું કેમનું થાય? એને સહકાર આપો સમય આપો. એને પણ તમારી સાથે ભળવું જ છે અને એટલે જ એને લગ્ન કર્યા તમારા સંતાન સાથે પણ હવે એને ભળવામાં મદદ કરવાનો તમારો વારો છે. એની પાસેથી સહકાર ની અપેક્ષા રાખવી એટલી જ યોગ્ય છે જેટલો એને સહકાર આપવામાં તમે માનો. અને વળી એવું ના હોય કે હું તો આવીને બીજા જ દિવસે કે આટલા જ દિવસમાં બધું શીખી ગઈ હતી. હશે તમે જલ્દી શીખી ગયા હશો પણ એટલે સામેવાળું પણ એટલું જ જલ્દી શીખી જાય એ જરૂરી નથી. બની શકે કે એને સમય લાગે. તો એને સમય લેવા દો. એમ પણ ઉતાવળે આંબા ના પાકે, બાવળ જ પાકે. તો સમય આપો, સહકાર આપો શીખી જશે અને દૂધમાં સાકરની જેમ ભળી પણ જશે. જેટલું તમને લોકો ને એ સમજી જાય એવી તમે આશા રાખો છો એટલી જ એની પસંદ નાપસંદ ને તમે સમજો. ક્યારેક એમ જ એની રસોઈના વખાણ કરો. જુઓ એ બીજી વાર કેટલા ઉત્સાહ થી રસોઈ બનાવે છે. નાની નાની વાતો ઘણી વાર પ્રેમ વધારી દે છે.

3) દીકરાનો ઉછેર. આપણા સમાજ માં છોકરાઓને સામાન્ય રીતે છોકરીઓનું માન જાળવતા શીખવાડાતું જ નથી. છોકરાઓને મોટેભાગે ઉછેર થી લઈને જ આડકતરી રીતે મનમાં ઘુસી ગયું હોય છે કે તેને સ્પેશ્યલ પ્રિવિલેજ પ્રાપ્ત છે. એ જે ઈચ્છે તે કરી શકે જયારે કે છોકરીને કઈ પણ કરવા માટે માતા-પિતાની કે મોટા ભાઈની સહમતી લેવી જરૂરી છે અને એટલે લગ્ન પછી પણ તે પોતાની પત્નીને જીવનસાથી તરીકે નહિ પણ પોતાને તેના માલિક તરીકે જોવે છે. અને એટલે પછી જે બાળકીના મનમાં ઠસાવામાં આવ્યું હતું કે હંમેશા સ્ત્રીઓએ જ સહન કરવાનું તે તેના દિમાગમાં વધુ દ્રઢ થાય છે. વધુમાં છોકરાને એવું તો શીખવવામાં આવે છે કે છોકરા રડે નહિ. રડે એ છોકરો બાયલો કહેવાય. મતલબ અજાણતા જ એના મનમાં આપણે એ વિચારનું રોપાં કરી રહ્યા છે કે છોકરીઓ રડ્યા જ કરે. અને છોકરો રડે નહીની સાથે છોકરો રડાવે નહિ શીખવતા ભૂલી જઈએ છે આપણે. જાણતા અજાણતા પણ આપણે કોઈ એવો વિચાર તો બાળકના મનમાં નથી રોપી રહ્યાને તેનું આપણે ધ્યાન રાખવું જ રહ્યું.

4) છોકરીના માતા-પિતાનું સાસરીમાં વધતી જતી દખલગીરી. અહીં ઘણી સ્ત્રીઓને વાત નહિ ગમે પણ મને યાદ છે મારી પિત્રાઈના લગ્ન પછી થોડા દિવસ અમે એને રોજ ફોન કરતા ત્યારે મારા દાદાએ કહ્યું હતું કે રોજ ફોન નહિ કરવાનો. આની પાછળ એમની દૂરંદેશી હતી. છોકરી જયારે નવા નવા લગ્ન કરીને સાસરીમાં આવે ત્યારે શરૂઆતમાં અલગ લોકો, અલગ રીત-રિવાજો માં સેટ થતા એને મુશ્કેલી આવે જ અને એ સમયે જયારે માતા-પિતા સાથે વાત થાય તો એ કહ્યા વિના ના રહે. અને માતા-પિતાનો પુત્રી પ્રેમ એટલો વધુ હોય કે તે દીકરીને રીત-રિવાજ અલગ હોય બેટા તારા સાસરી વાળા તને સાથ આપે છે એ મહત્વ નું છે નહીકે રીત-રિવાજ આપણા જેવા જ હોવા એ શીખવવાને બદલે તારે આમ કરવાનું કે તારે આમ કહી દેવાનું શીખવે છે. અજાણતા જ તે પોતે જ પોતાની દીકરીના ઘર સંસારમાં આગ લગાડવાનું કામ કરે છે. અને આવું તે એટલે કરે છે કારણકે તેઓ પોતે પણ નાનપણ થી દીકરીના સાસરી વિષે એક ચોક્કસ ઇમેજ પોતાના મનમાં બનાવી ચુક્યા છે જેના આધારે એ નાનપણથી દીકરીને ટોકતા હતા કે આમ કર ને તેમ કર બાકી સાસરીમાં આવું થશે પણ હવે પોતે પણ પોતાની માન્યતાથી અલગ લોકોનો સ્વીકાર નથી કરી શકતા. ક્યાં દીકરીના ઘરમાં દખલગીરી કરાવી અને ક્યાં નહીંની સમજણ ક્યાંક ને ક્યાંક માતા-પિતા ખોઈ રહ્યા છે. અને એટલે જ કદાચ શાસ્ત્રોમાં કહ્યું છે અતિમોહ સારો નહિ. કદાચ એટલે જ પહેલાના લોકો કહેતા કે દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય કારણ ત્યારે ફોન તો હતા નહિ એટલે ફોન પર વાત કરવાનો સવાલ નહિ અને પાણી પીવાય નહી એટલે લાબું રોકાવાનું પણ નહિ. આ રિવાજ બદલાયો એ આપણી પ્રગતિ ખરી પણ સાથે જે થઇ રહ્યું છે એ આપણી અધોગતિ કે આપણે દીકરીના લગ્ન જીવનના અંતમાં આડકતરી રીતે દુર્ભાગી બની રહ્યાં છે.

5) વધુમાં આપણે સંતાનને પ્રેમ કરતા ક્યારેય શીખવતા જ નથી. શરૂથી જ સંતાનને શીખવાડાય કે પ્રેમ વિવાહ ના થાય, વિવાહતો ત્યાં જ થાય જ્યાં માતા-પિતા કહે. પણ કેમ? પ્રેમ કરતા શીખવો. પ્રેમ માં એનું હૃદયભગ્ન થાય તો એને શીખવો કે આવું તો થાય. બધા સારા ના હોય પણ બધા ખરાબ પણ ના હોય. પણ એને બદલે આપણેતો સંતાન પ્રેમમાં છે જાણીને જ જાણે કોઈ બહુ મોટું પાપ કરી નાખ્યું હોય તેમ વર્તીએ છે તેની જોડે. આપણે ભૂલ અને ગુનાહ વચ્ચેની રેખાને ભૂલી જઈએ છે અને ભૂલ કરી હોય એને ગુનો કર્યો હોય તેવી સજા આપીએ છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારું સંતાન કોઈ ખોટું કદમ ભૂલમાં પણ ના ઉપાડે તો પ્રથમ તો એની જોડે ખુલીને દરેક વિષયની ચર્ચા કરતા થાઓ કે જેથી એ ક્યારેક કોઈ મુશ્કેલીમાં પડે તો કોઈ બીજાને નહિ પણ તમને કહે અને જેથી એની મુશ્કેલીમાં વધારો ના થાય તેનું તમે ધ્યાન રાખી શકો.

6) આપણે કઈ પ્રથાનો વિરોધ કરવો અને કઈ પ્રથાનો નહિ તે સમજવું બહુ જરૂરી છે. જેમ કે, જો આપણે દીકરીને સાસરીમાં જ વળાવાની લગ્ન પછી એ પ્રથાનો સ્વીકાર કરીએ તો પછી એની સાસરીમાં જ્યાં સુધી એના પાર માનસિક કે શારીરિક અત્યાચાર ના થતો હોય ત્યાં સુધી દખલગીરી ના કરવાની પ્રથાનો પણ સ્વીકાર કરવો પડશે અને એ જે કરે છે એની સાસરીમાં એડજસ્ટ થવા એ મરજી થી કરે એમ શીખવવું જરૂરી છે અને નહિ કે એ સહન કરે છે તે રીતે. અને એક પુરુષને પણ એની પત્ની સાસરીને પોતાનું ઘર જ સમજે એનો અહેસાસ કરાવતા આવડવું જોઈએ. એક પુરુષની જવાબદારી છે કે સ્ત્રીને સહન કરે છે કે પોતે જ બધામાં એડજસ્ટ કરે છે એવું ના લાગવા દે અને પોતે પણ પોતાની આદતો, વિચારોમાં થોડો ફેરફાર કરે. જરૂરી નથી કે હંમેશા એક સ્ત્રીએ જ બધું જતું કરવું પડે, પુરુષ એ પણ ઘણી ચીજો જતી કરવી જ જોઈએ. જેમ સ્ત્રી સાસરીમાં સાકરની જેમ ભળી જાય, પતિના મિત્રોને પતિની સ્ત્રી મિત્રોને સ્વીકારી લે એવી જ રીતે પુરુષે પણ એની સાસરીમાં ભળવું જોઈએ, સ્ત્રીના મિત્રો, સ્ત્રીના પુરુષ મિત્રો નો સ્વીકાર કરવો જોઈએ. – વિશાલવાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.