દાદા ની 10મી પુણ્યતિથિ:
સૌ પ્રથમ તો માત્ર એક-બે જણ જોડે જ ચર્ચેલી અંગત વાત થી શરુ કરું તો દાદાનું સમાજમાં નોંધપાત્ર યોગદાન હોવાને કારણે એ સમાજમાં હંમેશા વિશિષ્ટ વ્યક્તિ તરીકે ઓળખાયા છે અને સૌ કોઈ જાણે છે કે જેમને કૈક નામ કાઢ્યું હોય છે તેની નાનામાં નાની ખામી પર લોકોની નજર હોય છે. લોકો સતત તેમને કે તેમના પરિવારને કેમ કરીને નીચા પાડવા તેવા મોકાની તલાશમાં હોય છે. મેં અંગત રીતે આ દબાણ ઘણી વખત અનુભવ્યું છે. અને એટલે જ આર. સી. શાહના પૌત્ર હોવાને કારણે મારે અમુક રીતે જ વર્તવું પડે તેવા વણલખ્યા નિયમનો ભાર અંગત રીતે અનુભવ્યો પણ છે.
પણ વાત જયારે દાદાની હોય તો વિશિષ્ટતા તો રહેવાની જ. અને એટલે જ આ દબાણ છતાં હું મારુ અંગત જીવન મારી મરજી મુજબ જીવી રહ્યો છું કારણકે દાદા અને પાપા એ એક વાત શીખવી હતી કે સામાજિક વિચારધારાને અંગત જીવન પર હાવી થવા ના દેવી. કોની વાતને કેટલું મહત્વ આપવું એ એની વાતનું વિશ્લેષણ કર્યા પછી નક્કી કરવું. કોઈની વાતનો સદંતર છેદ પણ ના ઉડાવી દેવો. તમારા વિરુદ્ધ બોલાયેલ વાતનું હંમેશા વિશ્લેષણ કરવું અને એમાં થોડું પણ સત્ય લાગે તો પોતાનામાં સુધારો લાવવા પ્રયત્ન કરવો. હા જો કોઈ વાત અવગણી દેવા જેવી જ હોય તો એ છે તમારા થયેલા વખાણ. એના પર બહુ ધ્યાન નહિ આપવું.
મકરંદ દવે નો શેર છે ને:
દોસ્ત…કોઈ તારું વાટશે, કોઈ તળિયા ચાટશે
-તું તમા ના લેશ કર,બસ ખેલતો જા ને ટેસ કર !
આ શેરનો સાચો અર્થ જો કોઈએ શીખવ્યો હોય તો તે દાદા અને ત્યારબાદ પાપા. સમાજની વચ્ચે રહીને પણ પોતાના અંગત જીવનમાં અમુકને જ પ્રવેશવા દેવાય તેવી કોઠાસૂઝ દાદાએ આપી. દાદાએ જ સમજાવ્યું કે બોલવાવાળા તો બોલશે જ. દરેકને જવાબ દેવા ના જવાય અને જવાબ આપવો જ હોય તો યોગ્ય સમયે અને યોગ્ય પ્રકારે આપવો જેથી ભવિષ્યમાં ફરી એ બોલતા પહેલા વિચારે. દાદા હંમેશા કહેતા કે વાણિયો રૂપિયા જ નહીં શબ્દો પણ સમજીને વાપરે, વેડફી ના નાખે, ના ખોટા ધંધામાં રૂપિયા ડુબાડે અને ના ખોટી વ્યક્તિ પાછળ સમય બગાડે. દાદા હંમેશા કહેતા કે કોઈનો વિચાર આપણાથી ભિન્ન હોય એટલે એ જુનવાણી નથી થઇ જતો. અને તે સમજાવવા મારી પિત્રાઈ બહેનનું ઉદાહરણ એ આપતા કે “જેટલો અધિકાર આપણી દીકરીને જોબ કરવા દે તેવી સાસરી શોધવાનો છે, તેટલો જ અધિકાર એક છોકરાને અને એના માતા-પિતાને ગૃહિણી શોધવાનો છે.” માત્ર એ જ કારણથી કે એ આજના જમાનામાં ગૃહિણી ની તલાશ કરે છે તેઓ જુનવાણી વિચારસરણીના નથી થઇ જતા.(આજથી 11 વર્ષ પહેલાની વાત) વિચારોની વિવિધતાને તથા ભિન્નતાને સ્વીકારી શકવાની સમર્થતા એમનામાં વધુ હતી.
મારામાં તમારી લાક્ષણિકતાઓને પરોવવાનીની મારી કોશીષોની વચ્ચે પસાર થઇ જતી દરેક ક્ષણ એ જ મારુ જીવન. આજે 10મી પુણ્યતિથિએ તમારા વિચારને લોકો સુધી પહોંચાડવાના એક પ્રયાસ સાથે શ્રદ્ધાંજલી અર્પું છું. – વિશાલવાણી ની આદરાંજલી