પ્રકૃતિ અને સંસ્કૃતિ

આયુર્વેદનો નિયમ છે કે કોઈપણ વ્યક્તિના રોગ નો ઉપચાર કરવો હોય તો પહેલા એની પ્રકૃતિ જાણવી બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ ઉપચાર ઈચ્છે ત્યારે તેની નાડી તપાસવામાં આવે છે અને એના પર થી એની પ્રકૃતિ જાણવામાં આવે છે. અને પછી એ મુજબ તેને દવા આપવામાં આવે છે. અર્થાત દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે અને એટલે એક જ રોગ ની દરેકને માટે એક સરખી દવા ના હોય શકે. કઈક એવી જ છે સંસ્કૃતિમાં રહેતા પ્રાકૃતિક લોકો ની વાત. જેટલા પણ ધર્મ છે એ પણ ક્યાંક ને ક્યાંક અલગ પ્રકૃતિ મુજબ અલગ ઠેરવાયેલી સંસ્કૃતિઓ જ છે એવું હું સતત માનતો આવ્યો છું. જેને જે પ્રકૃતિ ગમે એ મુજબ ની સંસ્કૃતિ અપનાવી શકે.

પ્રકૃતિ એટલે કુદરતી. જે કઈ પણ કુદરતી છે એનો સંસ્કૃતિમાં વિરોધ થયો છે. પ્રકૃતિમાં હકીકતે કોઈ નિયમ નથી. નિયમો તો આપણે સભ્ય સમાજની વ્યાખ્યા ઘડવા માટે બનાવ્યા અને નામ આપ્યું એને સંસ્કૃતિ. પણ ક્યાંક સભ્ય સમાજની રચના કરવામાં, સંસ્કૃતિના નિયમો ઘડવામાં આપણે પ્રકૃતિને એટલા બધા અંશે અવગણી કે વ્યાખ્યા તો ઘડાઈ ગઈ પણ અમલ લગભગ બધા જ માટે મુશ્કિલ થઇ ગયો. અને એટલે પછી શરુ થયા પાપ અને પુણ્ય ના તૂત. શરુ થયા ખેલ કે જેમાં સમય જતા આપણે બધાને જ સફેદ અને કાળા રંગમાં જોવા લાગ્યા અને ભૂલી ગયા કે ગ્રે રંગ પણ હોય શકે છે.

પાપ-પુણ્ય ના ખેલ માં આપણે એટલા ખોવાઈ ગયા કે પ્રકૃતિને જ અવગણી બેઠા. આપણે પોતાના જ કર્મોને લોકોની નજરો થી મૂલવવા લાગ્યા. પ્રાકૃતિક રીતે સાચા હોવા છતાં સાંસ્કૃતિક રીતે એ અમાન્ય હોવાને કારણે પોતાને જ દોષી માનવા લાગ્યા અને પોતાની એ ગ્લાનિને છુપાવવા અથવા કહો કે મારવા માટે આપણે બીજાની ભૂલો શોધવામાં સતત લાગી ગયા અથવા તો બીજા માટે દિલમાં ઝહેર ભરવા લાગ્યા. આપણે જડ થઇ ગયા નિયમો પ્રત્યે. જડતા એ હદની કે આપણે લોકોની દ્રષ્ટિએ જ સાચા અને ખોટાની વ્યાખ્યા ઘડવા લાગ્યા.

પ્રકૃતિ મુજબ દર વર્ષે પાનખર આવે છે અને જુના ફૂલ-પાન નાશ પામે છે અને પછી ફરીથી કૂંપળો ફૂટે નવેસર થી નવા ફૂલ-પાન આવે. આને પ્રકૃતિનો નિયમ કહો તો આ નિયમ મુજબ જુનાનો નાશ જરૂરી છે જેથી નવું અપનાવી શકાય, નવું સ્વીકારી શકાય. જયારે કે સંસ્કૃતિ માં મહત્તમ અંશે એક નિયમ ની સ્થાપના થઇ ગઈ પછી એમાં કોઈ બદલાવને આવશ્યકતા નથી તેવું માની લેવામાં આવે છે. સંસ્કૃતિની સ્થાપના નો આશય ઉમદા હતો અને આવશ્યકતા અવગણી ના શકાય તેવી પણ જે તે નિયમ ની સ્થાપના જે તે સમયની અનુકૂળતા મુજબ થઇ હોય પછી સમયાંતરે એમાં ફેરફાર જરૂરી છે. જેમ કે, પૌરાણિક સમયમાં જયારે શિકાર કરીને માનવી પોતાનું પેટ ભરતો ત્યારે સ્ત્રીઓના શરીર ખુબ જ કોમળ હતા અને એ શિકાર કરવો જેવી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરી શકે તેવી નહોતી અને તેથી ઘરના કામ તેઓએ સંભાળવાનો નિયમ આવ્યો. સમયાંતરે સ્ત્રીઓના શારીરિક બાંધામાં ફર્ક આવ્યો પણ સામાજિક નિયમમાં નહીં. અને એટલે ચળવળ કરવી પડી સ્ત્રીઓએ, લડવું પડ્યું જગત સામે અને હજી પણ લડવું પડે છે. સંસ્કૃતિમાં પરિવર્તનક્ષમતા જરૂરી છે પણ ક્યાંક આપણે એ ખોઈ રહ્યા છીએ અને જડતા તરફ વધી રહ્યા હોય તેમ લાગે છે.

પ્રકૃતિમાં લગ્નપ્રથાને કોઈ સ્થાન નથી. ના તો જીવનસાથી જેવી કોઈ વાતને સમર્થન છે. પ્રકૃતિમાં જે યોગ્ય છે તે ટકે છે અને બાકીનું નાશ પામે છે. ના તો પ્રકૃતિમાં નિયમ છે સાથી બનાવા અંગે જેમ કે એક જ ધર્મ ના હોવા જોઈએ, એક જ જ્ઞાતિના હોવા જોઈએ, એક ગોત્રના ના હોવા જોઈએ વગેરે વગેરે જેવા કોઈ જ નિયમ ને પ્રકૃતિ સ્વીકારતી નથી. પ્રકૃતિના નિયમ ને માનીએ તો એ મુજબ દરેક પોતાની શક્તિ અનુસાર પોતાનું બળ સાબિત કરીને સાથીને જીતે છે અને પોતાની યોગ્યતા સાબિત કરે છે અને આમ તે એકથી વધુને જીતવાની ક્ષમતા ધરાવે છે, તેવી પોતાની યોગ્યતા પણ સાબિત કરે છે. લગ્નપ્રથા એ સંસ્કૃતિની આડમાં “યોગ્યતમનું અસ્તિત્વ”(Survival of the Fittest) ના નિયમની અવહેલના કરતો નિયમ છે. એમાંય વળી ગોઠવાયેલા લગ્ન(arranged marriage) એ તો પોતાની રીતે બે પાંદડે ના થઇ શકતા લોકો માટે રચાયેલી વ્યવસ્થા છે. ઘણાની પ્રકૃતિ સંસ્કૃતિના આ નિયમને સ્વીકારી ના શકે તેવી હોય છે અને પછી શરુ થાય છે લગ્ન બાહ્ય સંબંધોની શરૂઆત. કારણ કે સંસ્કૃતિ તેમને બીજા લગ્નની મંજૂરી નથી આપતી અને પ્રકૃતિ તેમને એક પર અટકી રહેતા અટકાવે છે.

કોઈની પ્રકૃતિ મોનોગેમી હોય છે તો કોઈ ની પ્રકૃતિ પોલીગેમી હોય છે. બંને અવસ્થા એ એમની પ્રકૃતિ છે એનાથી કોઈ એક વ્યક્તિ ખોટી નથી થઇ જતી. અને આ જ વાતને વિષ્ણુના જ બે અવતાર તરીકે રજુ કરીને બહુ સારી રીતે સમજાવાનો પ્રયાસ થઇ ચુક્યો છે. રામ એક પત્નીવ્રતમાં માનનાર પુરુષોત્તમ ગણાય છે, તો વળી કૃષ્ણ એક થી વધુ રાણીઓ ધરાવનાર અને ગોપીઓ સાથે રાસલીલા કરનાર, રાધાને પ્રેમ કરનાર અને રુક્મણિના પ્રેમપત્રમાં પોતાને ઉઠાવી જવાની એક આજીજીના પ્રત્યુત્તરમાં પોતાનું દિલ દઈ દેનાર અને એને પોતાની રાણી બનાવી દેનાર પ્રેમનું ઈશ્વરીય સ્વરૂપ ગણાય છે. તો વળી સ્ત્રીઓના પક્ષે જોઈએ તો સીતા એક પતિત્વમાં માને છે, તો જટિલા, પ્રચેતી polyandry(બહુપતિત્વ) હતા. કોઈની પ્રકૃતિની વિરુદ્ધ એના પર સંસ્કૃતિ મુજબ વર્તવાનું દબાણ કરવામાં આવે તો પણ એ વ્યક્તિ પોતાની પ્રકૃતિ નહિ ભૂલે અને પોતાની પ્રકૃતિ મુજબ વર્તવાનું ચાલુ જ રાખશે. ફર્ક માત્ર એટલો જ પડશે કે એ કહેશે નહિ. આ તો ઉલ્ટાના આપણે દંભી સમાજનું સર્જન કરવા તરફ જઈ રહ્યા છીએ. એનાથી ઉત્તમ છે કે જેની જે પ્રકૃતિ હોય અને એ બીજાને નુકશાન પહોંચાડનારી ના હોય ત્યાં સુધી તેને તે મુજબ વર્તવા દેવાય. સંસ્કૃતિને જરૂર છે તો કાયદો અને વ્યવસ્થા જળવાય તેવા નિયમોની રચના કરવાની અર્થાત એવા નિયમો કે જેમાં કોઈની પ્રકૃતિ અન્યને નુકશાન ના પહોંચાડી શકે. – વિશાલવાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.