ગુણવંત શાહ એ એક વાર લખ્યું હતું કે ઉદારમતવાદી મુસ્લિમોનો બંને બાજુએથી મરો છે. કટ્ટર મુસ્લિમો એમને મુસ્લિમ માનવા તૈયાર નથી થતા અને અન્યો ઉદારમતવાદી મુસ્લિમો જેવી કોઈ પ્રજાતિ અસ્તિત્વમાં હોય પણ શકે તે સ્વીકારતા નથી. ખેર આ તો સર એ ચોક્કસ વિષય પર લખતા હતા એટલે ખાલી મુસ્લિમ પ્રયોજન કર્યું બાકી તેઓ પણ મારી સાથે સહમત થશે કે આવું દરેક ધર્મના ઉદારમતવાદી વ્યક્તિનો અનુભવ હોય છે. કટ્ટરવાદીઓની વાત કરવામાં મને રસ નથી કારણ તેઓ અનુયાયી છે અને જે અનુયાયી હોય છે તે બંધક હોય છે જે તે વિચારસરણીના. અને જે બંધક હોય છે તેમની ખુદની કોઈ વિચારસરણી કયાં સંભવ છે? તેઓ તો કઠપૂતળી માત્ર છે અને તેમને તે જેના બંધક છે તે કઈ પણ કહે તેને તેઓ સત્ય માની લેશે. પણ જે ઉદારમતવાદી છે તેને પ્રેમ કર્યો છે. કોઈના અનુયાયી નથી બનવાનું હોતું પણ તેને પ્રેમ કરવાનો હોય છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં બંધન નથી હોતુ. વિચારવિમર્શ ને સ્થાન હોય છે. ભૂલને સ્વીકારવાની નિખાલસતા પ્રગટે છે અને અન્યના મતનું સન્માન કરતા આવડે છે.
અનુભવેલું છે કે જેને આપણે જાણતા નથી તેના વિષે અભ્યાસ કરવાને બદલે લોકોની કહેલી વાતને સાચી માની લઇ તેને નફરત કરવાની ભાવના(જાણ્યા વિના) વધુ રાખીએ છે. જેમ કે આપણે બીજા ધર્મને સમજ્યા વિના જ એ ધર્મને જ ખરાબ ચીતરી દઈએ છે માત્ર કેટલાક ખરાબ અનુભવો ને લીધે અથવા તો કોઈના કહેવા માત્ર થી. મારો વિરોધ તો ધર્મગુરુઓ પ્રત્યે સૌથી વધુ છે.તેઓનું કાર્યક્ષેત્ર એટલું વિશાલ છે અને તેઓની નૈતિક જવાબદારી છે કે લોકો ને જીવન કેમનું જીવવું જોઈએ તેનો સંદેશો આપે, પરસ્પર પ્રેમ કરતા શીખવે, ભાઈચારો શીખવે, દેશ ને ધર્મની આગળ રાખતા શીખવે પણ મોટાભાગ ના ધર્મગુરુ ઉલટાના બીજા ધર્મની બુરાઈ કરતા જોવા મળે છે. તેઓ પોતાની નૈતિક જવાબદારીમાં નિષ્ફળ ગયેલા જણાય છે. અને એમના અનુયાયી પણ. કારણ આપણી આદત છે કે આપણે એક વ્યક્તિને આદર્શ માનીને એના દરેક અભિપ્રાયને અંતિમ સત્ય તરીકે સ્વીકારી લઈએ છે પણ એની એ વિષય પ્રત્યે અભિપ્રાય આપવાની ક્ષમતા કેટલી તેનું વિશ્લેષણ નથી કરતા. કહેવાયું છે ને માણસ સૌથી બુધ્ધિશાળી પ્રાણી ખરો પણ એકલો હોય ત્યારે જ, ટોળા માં હોય ત્યારે નહિ. આપણે દિન-પ્રતિદિન વિષયનું વિશ્લેષણ કરવાની ક્ષમતા ખોઈ રહ્યા છે કારણ કે આપણને ઉત્તર તરત જોઈએ છે અને એથી જ પછી શરુ થાય છે મતભેદ નું મનભેદમાં પરિવર્તન. આ વિષય વિશ્લેષણ ની આળશ એક કારણ છે નફરતના ફેલાવાનું. કોઈ પણ વસ્તુ અહી વાઈરલ થઇ જાય છે એની સચ્ચાઈની કસોટી થયા વિના. હજારો વર્ષ પૂર્વે મહાવીરએ અનેકાન્તવાદ તો સિધ્ધાંત આપ્યો હતો પણ એનો અમલ તો તેમને ભગવાન માનનારા પણ નથી કરતા. અનેકાન્તવાદ અર્થાત કોઈ એક વિષય પર એક થી વધુ વ્યક્તિઓ પોતાના જુદા-જુદા મત રજુ કરે અને તે મત જુદા હોવા છતાં તે દરેક વ્યક્તિ સત્ય કહી રહી હોય તેવું પણ બને. કારણકે દરેક વ્યક્તિ પોતાના અનુભવો, પોતાની લાગણીઓ, પોતાના ઉછેર અને અન્ય ઘણા પરિબળો ને અનુલક્ષીને જે તે વિષયનો અભ્યાસ કરે છે અને પોતાનો મત રજુ કરે છે. અને મુશ્કેલી ત્યારે જ થાય છે જયારે બંને વ્યક્તિ સાચી હોય. પણ આપણે તો વિશ્લેષણ કરવાની આદત જ ખોઈ રહ્યા છીએ. instant અને ready-made ના જમાનામાં આપણે વિચારો પણ ready-made ઇચ્છીએ છે. અને કારણ આપીએ છે કે સમય નથી. આપણી સૌની પાસે કોઈના ઉધાર લીધેલા વિચારો પર ખોટી ચર્ચાઓ કરવાનો સમય છે પણ પોતે એ જ વિષયનું વિશ્લેષણ કરી સત્યની ખોજ કરવાનો સમય નથી. આપણે ખોઈ રહ્યા છીએ અન્યનું અને તેના વિચારોનું સન્માન કરવાની ભાવના. કોઈ ખોટું હોય તો પણ તેનું અપમાન કર્યા વિના તેને તેની ભૂલ સમજાવવાની તહેજીબ ખોઈ રહ્યા છીએ આપણે. જો કોઈ વ્યક્તિ આપણને આપણી ભૂલ દર્શાવે તો આપણે એમ વિચારીએ છે કે એ મને ખોટો પાડી જ કેમ શકે? અને એની ભૂલ શોધવામાં લાગી જઈએ છીએ. આપણે સૌ અંદરથી રાવણની જેમ અહંકારી થઇ ગયા છીએ પણ મહોરું રામનું પહેરીને ફરીએ છે. આપણે માનવતા ભૂલી રહ્યા હોય તેવો આભાસ થાય છે. દિન-પ્રતિદિન બોમ્બબ્લાસ્ટની ને આતંકવાદી હૂમલા ને આત્મહત્યાના એટલા બનાવો સંભાળતા આવીએ છે કે હવે તો આવા સમાચાર વાંચીને અનુકંપા માત્ર પણ નથી અનુભવતા. – વિશાલવાણી