સંબંધ – દરેક વ્યક્તિ સંબંધની પોતાની એક પરિભાષા લઈને જીવે છે અને આ જ પરિભાષાની આસપાસ તે પોતાના સંબંધીઓ સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે. ખેર લોકોની પરિભાષામાં નથી ઉતરવું આજે મારે વાત કરવી છે સંબંધ વિશેના મારા વિચારો ની.
મારા મત મુજબ સંબંધ એટલે સમાનતા નો બંધ. તો સૌથી પહેલો સવાલ તો બંધ શબ્દ જોઇને એ જ થાય કે બંધ એટલે બંધન? ના બંધ એટલે બંધન નહિ પરંતુ સેતુ માત્ર. જ્યાં બંધન હોય છે ત્યાં સમાનતાને વિકસવાની તક નથી મળતી. બંધન વ્યક્તિના વિકાસમાં પણ અવરોધરૂપ બને છે. અને સાચો સંબંધ તો એ જ કે જેમાં બે વ્યક્તિ એકબીજાની હૂફ હેઠળ વિકાસ પામે. પણ જો બે વ્યક્તિ સમાન હોય તો તો એકબીજાથી ઉબાઈ જવાની શક્યતા ઊલટાની વધુ રહે છે. તો પછી સવાલ થાય કે સમાનતા એટલે શું? બે વ્યક્તિઓના વિચારો, બે વ્યક્તિઓના આચરણ સમાન હોવા તે? ના. મને નથી લાગતું કે બે સમાન વ્યક્તિઓ વચ્ચે જ સારો સંબંધ પાંગરે. તો પછી સમાનતા એટલે શું? મારા મત મુજબ આ સમાનતા એટલે એકબીજા પ્રત્યે સમાનતાનો ભાવ(એકબીજાને સમાન ગણવા, કોઈ વધુ બુદ્ધિશાળી કે વધુ ધનવાન છે એવા કોઈપણ જાતના ભેદભાવ નહિ રાખવા), એકબીજા પ્રત્યે સમાન આદર-માન, એકબીજા માટે સમાન લાગણી, સમાન પ્રેમ, એકબીજાને સમાન રીતે સમજી શકવુ, સમાનપણે વિશ્વાસ કેળવવો. સમાનતા ને સમાન હોવા સાથે કઈ લાગતું વળગતું નથી જ્યાં સુધી તમે અસમાનતા ને માન અને આદર થી સ્વીકારી શકતા હોવ. જો તમે કોઈ તમારાથી અલગ છે તે વાત ને સ્વીકારીને પણ તેના પ્રત્યે પ્રેમ અને લાગણી ની વર્ષા કરી શકતા હોવ તો તમારો સંબંધ અતુટ રહી શકે છે. – વિશાલવાણી