ત્રણ દાયકા અને હું:
સર્વ પ્રથમ તો આપ સૌનો ખુબ ખુબ આભાર જન્મદિવસની શુભકામનાઓ બદલ. વિશ્વ જયારે મોબાઈલમાં સમેટાતું જાય છે ત્યારે વર્ચ્યુઅલ વિશ્વ સમાન સોશ્યલ મીડિયા પર કે પછી અત્યંત વ્યસ્ત હોવા છતાં મારે માટે થોડો સમય કાઢીને ફોન કરવાની તસ્દી લેનાર સૌનો આભાર. તમારા સૌની શુભકામનાઓ જ મારા આ દિવસને ખાસ બનાવે છે.
ગુજરાતી માં એક કહેવત છે “સોળે શાન, વિસે વાન”
અર્થાત 16 વર્ષની ઉંમરે શાણપણ આવે અને મારુ માનવું છે કે 30 વર્ષ ની ઉંમરે એ શાણપણ બરાબર આવ્યું કે નહિ તે ખબર પડે. મારા કેસમાં થોડો લોચો પડેલો છે પણ ઠીક છે આપણું તો ચાલી રહ્યું છે.
ત્રીસ વર્ષની જીવન યાત્રાને જો મારે સંક્ષિપ્તમાં રજુ કરવી હોય તો હું કહીશ :
“તારું નામ લખ્યુંને શાયરી બની ગઈ,
નામ લખ્યું તું કાગળ પર અને બકરી એ ખાઈ ગઈ”
થી શરુ કરીને
“હું શબ્દ, તું અર્થ, તારા વિના હું વ્યર્થ” સુધીની સફર.
આ ત્રીસ વર્ષોમાં ઘણું બદલાયું અને એક માણસ તરીકે હું પણ સતત બદલાયો. પણ આ બદલાવનો ખેદ જરા પણ નથી. આવશ્યક હતું તે કર્યું. પણ આ બધાની વચ્ચે જે પરમ સત્ય અથવા કહો કે સનાતન સત્ય મને પ્રાપ્ત થયું છે તે એ જ કે “હું કશું જાણતો નથી.” હા હું કશું જ જાણતો નથી. અને એટલે જ મારો અભિપ્રાય કાલે બદલાઈ જાય એમ પણ બને. અને બદલાયેલા અભિપ્રાય ને સ્વીકારવામાં મને કોઈ ગ્લાનિ પણ નથી અનુભવાતી કારણ કે અનુભવે બદલાયેલા અભિપ્રાય માટે ગ્લાનિ નહિ ગર્વ હોવું જોઈએ. મને ઘણી વખત લાગે કે જો આજના જમાના માં મહાઋષી વાલ્મિકી લૂંટારામાંથી ઋષી બનવા પ્રયાસ કરતા તો લોકો એમને એમનો ભૂતકાળ યાદ કરાવી કરાવીને કદી પણ બદલાવા ના દેતા. પણ મને અનુભવે બદલાવું ગમે છે અને કોઈ બદલાતું હોય તો ટોકવા કરતા પ્રોત્સાહિત કરવું ગમે છે. જે આજે મિત્રો છે એ જ હંમેશા રહેશે જેવા સ્વપ્ન 20 વર્ષે જોતો, અનુભવે સમજાયું છે friends forever જેવી વાત પણ કહેવામાં અને નિભાવી જાણનારામાં ફરક હોય છે. 25 વર્ષની ઉંમરે ગુમાવેલા મિત્રો માટે દુઃખ થતું, હવે ખુશી છે કે જે સાચા મિત્રો હતા એ જ સાથે છે, બાકીના પાનખરમાં પાન ખરી પડે તેમ ખરી પડ્યા એ જ સારું થયું. શાણપણ સતત પ્રક્રિયા છે. અને સનાતન સત્ય પામવા માટે પામર માનવી સિવાય હું કઈ જ નથી આટલું પરમ સત્ય પ્રાપ્ત થયું એ મારા આટલા વર્ષોની સિદ્ધિ. અને બીજી સિદ્ધિ એ કે જયારે પણ જે પણ કર્યું એ દિલ થી કર્યું, જીવ્યો છું એ ક્ષણોમાં, ખાલી ક્ષણ ને પસાર નથી થવા દીધી કે ના તો ક્ષણ ને માત્ર પસાર કરવા હાજરી આપી. ચાહે સ્કૂલ હોય, કોલેજ હોય કે પછી મિત્રો સાથેની ધમાલ-મસ્તી અને ટૂર્સ. અને એટલે જ મારી પાસે સંભળાવવા માટે કિસ્સાઓ છે. મજેદાર કિસ્સાઓ, મહામૂલી યાદો. તો આજ માં જીવી લેજો, આજને માણી લેજો. અફસોસ નહિ રહે ભવિષ્યમાં.
– વિશાલવાણી.