મુકેશ રમણલાલ શાહ. મારા પપ્પા. હા હું એમને પપ્પા કહું છું. સામાન્ય રીતે એક છોકરો એની માની વધુ નજીક હોય, પરંતુ મારા કેસ માં થોડું અલગ છે. હું મારા બાપુજી ની વધુ નજીક છું. મારા જીવનની કોઈ પણ અંગત વાત હું મમ્મી કરતા પપ્પા ને વધ આસાની થી કહી શકું છું. મને ગમતી છોકરી વિશે ની વાત પણ મમ્મી ને નહિ પપ્પા ને કહી શક્યો’તો. પપ્પા એ એમની એક પિતા એક પુત્ર એક પતિ એક જમાઈ એક મિત્ર તરીકે ની બધી જ જવાબદારીઓ બાખૂબી નિભાવી છે.
મારા પપ્પા એ મારા રોલ મોડલ છે. હમેશા હું એમના જેવો જ બનવા માંગું છું. અને પ્રયત્ન કરું છું. તેઓ બિલ્ડર છે.
એમના જ મિત્રો, ક્લાયન્ટ્સ અને બીઝનેસ રીલેટીવસ પાસે થી હમેશા એમના વખાણ સાંભળું ત્યારે મને એમના પુત્ર હોવાનો ગર્વ મેહસૂસ થાય છે. આજ સુધી માં એમના વિશે જો કોઈ બેસ્ટ કમેન્ટ સાંભળી હોય તો તે છે “ઈંટ રેતી અને સિમેન્ટ વચ્ચે રહીને મોટાભાગે બધા બિલ્ડર્સ એવા જ થઇ જાય અને એમના માં સંવેદના જેવું કઈ રેહતું નથી પણ તારા પપ્પા ખુબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને એમનો સ્વભાવ તો ખુબ જ સરસ છે” આ શબ્દો હતા એમના કવિ મિત્ર મૃગાંક શાહ ના.
પપ્પા એ હમેશા સંબંધોને ધંધા કરતા પણ વધુ મહત્વ આપ્યું છે. કેટલાય કામ માત્ર સંબંધ ના કારણે એમને કોઈ પણ નફા વિના કર્યા છે જેનો હું ખુદ સાક્ષી રહી ચુક્યો છું. એમના સ્વભાવ અને નમ્રતા ને કારણે જ સમાજ માં પણ તેઓ એક સન્માનીય વ્યક્તિ બની શક્યા છે. હમેશા પોતાના અહં કરતા સંબંધ ને વધુ મહત્વ આપવું જોઈએ તે હું એમની પાસે થી જ શીખ્યો છું.(શીખું છું કહીશ તો વધુ યોગ્ય રહેશે.). કોઈ ગમે તેમ સંભળાવી જાય છતાં એને જયારે જરૂરત હોય ત્યારે પપ્પા ને એની પડખે હાજર રહેલા જોયા છે. અને તે પછી પણ “જો તે આવું કર્યું છતાં હું તારી પડખે ઉભો છું” જેવો કોઈ જ ટોન્ટ નહિ.
લોકો ને મદદ કરવા માં હમેશા આગળ. કોઈ એક વ્યક્તિ ને મદદ કરી હોય તો કોઈને પણ કહેવાનું નહિ. મને ખુદ ને એમને જેને મદદ કરી હોય એ વ્યક્તિ આવી ને કહે કે તારા પપ્પા એ મને ખુ મદદ કરી તી અને વાત કરે ત્યારે તો ખબર પડે. દાન કરો તો એમ કરો કે ડાબા હાથે કરો તો જમણા હાથ ને પણ ખબર ના પડે એ એમને બરાબર નિભાવી જાણ્યું છે.
શું કહું? પપ્પા વિષે તો લખું તેટલું ઓછું જ લાગશે મને.
આમ કહેવા જાઉં તો યુગો વીતી જશે,
આમ જો સમજો તો 1 શબ્દ ની વાત છે
અને એ એક શબ્દ એટલે “ભગવાન” મારા માટે મારા માતા-પિતા મારા ભગવાન છે
