આજે જે વાત રજુ કરવી છે એની પહેલા ડિસ્ક્લેમર જરૂરી જણાય છે.
ડિસ્ક્લેમર: હું મારા માતા-પિતા સાથે જ રહુ છું અને એમની સાથે જ આજીવન રહેવાનું પસંદ કરીશ. અને મારી આ પસંદ પણ મેં લગ્ન પહેલા જ રજુ કરી દીધી હતી જેથી આવનારી કન્યા અગર nuclear ફેમિલીમાં રહેવાના વિચારની હોય તો એને નિર્ણય લેવામાં સરળતા રહે.
હવે વાત મુદ્દાની. શા માટે જે પરિવારમાં સંતાન માતા-પિતા સાથે નથી રહેતા એમને અસંસ્કારી ગણવા? પતિ-પત્ની બંને જયારે નોકરી કરતા હોય છે, એમના બાળકો પણ પ્લેગ્રૂપમાં જ સચવાતા હોય છે તેવામાં માતા-પિતાનું પૂરતું ધ્યાન ના રાખી શકાય તેવા સમયે હું તો માનુ છું કે એમને પૂરતી વ્યવસ્થા મળી રહે તેવા વૃદ્ધાશ્રમમાં મુકવા ખોટા નથી. ખોટું ત્યારે છે જયારે સંતાન જવાબદારી માંથી છટકવા માટે આમ કરે. પણ અંદરો અંદર પોતાના માતા-પિતાને પૂરતી સગવડ ના આપી શકવાના guilt માં જીવતો હોય ત્યારે સગવડો મળી રહેતા વૃદ્ધાશ્રમ આશીર્વાદરૂપ ગણાય. હંમેશા સંતાન અસંસ્કારી હોવાને કારણે જ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મુકતો પરંતુ ક્યારેક એમની ભલાઈ ત્યાં વધુ હોય છે. સમાજમાં સારા વૃધ્દ્ધાશ્રમ બનવા જોઈએ કે જ્યાં બધી જ સગવડો હોય, એક વડીલ ને જરૂરી બધી જ સેવા ત્યાં પ્રાપ્ત થાય. માતા-પિતાને અગવડ આપવી એ અસંસ્કાર છે. તેવા સંતાનો ધિક્કારને પાત્ર છે. પરંતુ જો સંતાન માતા-પિતાની સગવડ નું પૂરતું ધ્યાન રાખીને એમની અલગ વ્યવસ્થા કરે કે જેથી એમને જરા પણ તકલીફ ના પડે તો સંતાનને દોષ ના દેવાય. એને તો પોતાની જવાબદારી પૂરતી નિભાવી ગણાય. સમાજમાં ખુબ જ જરૂર છે એવા વૃદ્ધાશ્રમની જ્યાં વડીલોને શ્રેષ્ઠતમ સેવા પ્રાપ્ત થાય. જ્યાં મુકવાથી સંતાનને ચિંતા ના રહે એમની સગવડ સચવાવાની. અને ત્યાં જઈને એમની સાથે સમય પણ ગાળી શકે સમયાંતરે. બાળકને પ્લે ગ્રુપમાં મુકવા જેટલા યોગ્ય છે તેટલું જ યોગ્ય છે માતા-પિતાને પોતાના કોઈ સ્વાર્થ વિના વૃદ્ધાશ્રમમાં મુકવા અને એમની સગવડ ની પૂરતી વ્યવસ્થા કરવી. એક એવા ઘરમાં રહેવું કે જ્યાં એકલવાયું જીવન જીવવું પડે એના કરતા તો વૃદ્ધાશ્રમમાં રહેવું કે જ્યાં આસપાસ પોતાની જ ઉંમરના સાથીઓ મળી રહે ત્યાં રહેવું વધુ ઉત્તમ છે. પાછલી ઉંમરે જયારે મેડિકલ ઇમર્જન્સી ક્યારેય પણ આવી શકે તેવા સમયે સંતાનનું હંમેશા ઉપસ્થિત રહેવું શક્ય નથી હોતું તો વધુ સારું રહે કે જ્યાં એમની મેડિકલ ઇમર્જન્સી સેવાની સગવડ હોય. આ બધી જ ચિંતાઓ એક સંસ્કારી સંતાનને હંમેશા સતાવતી હોય છે અને ઈચ્છે છે કે આનું શ્રેષ્ઠ નિરાકરણ લાવી શકે. માતા-પિતા પણ પોતાના પાર જ આધારિત થઇ જાય છે કે એ લઇ જાય તો જ કશે પણ જઈ શકે બાકી ઘરમાં જ રહેવું પડે અને એવા સમયે સંતાન ઇચ્છીને પણ જયારે સમય કાઢીને એમને કશે લઇ જઈ ના શકે ત્યારે મનોમન દુઃખી થતો હોય છે. આ બધી જ સમસ્યાનું નિરાકરણ એક માત્ર વિચારોમાં બદલાવ લાવવાથી શક્ય થઇ શકે છે. – વિશાલવાણી
