સ્ત્રીનો મહાનતમ ગુણ છે સમર્પણ. એક સ્ત્રી લગ્ન પછી પોતાનું જીવન બહુ જ આસાની થી પોતાના પતિ, પોતાના સાસરીવાળાને સમર્પિત કરી દે છે,અને સંતાનના જન્મ પછી તો જાણે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહિ તેમ જીવે છે. પરંતુ આ જ એની મહાનતા એને 40 પછીની ઉંમરે ડિપ્રેશનનો શિકાર બનાવે છે. લગ્ન પછી સ્ત્રી પોતાના મોજ-શોખ, પોતાને ગમતી પ્રવૃત્તિ, જુના મિત્રો બધું જ ભુલાવતી ચાલે છે. સંતાન ના જન્મ પછી તો એવું કઈ એના જીવન નો ભાગ હતો ક્યારેક એ કળવું પણ મુશ્કેલ થઇ પડે છે. પરંતુ જયારે બાળકો મોટા થાય, પોતાના મિત્રો સાથે બહાર જતા થાય અને એ જ અરસામાં પતિ એના વ્યવસાયલક્ષી કામોમાં અતિ વ્યસ્ત રહેવા લાગે ત્યારે સ્ત્રી મનોમન મૂંઝાય છે, ક્યારેક બળાપો વ્યક્ત કરે છે કે મારુ સઘળું તમને આપી દીધું અને તમે મને થોડો સમય પણ ના આપી શકો? પોતે એકલી પડી ગઈ એવા વિચારો એને અવાર-નવાર આવે છે. વળી આ જ અરસામાં સૌથી અઘરો સમય આવે છે મેનોપોઝ દરમિયાન. આ અરસામાં સ્ત્રીના મનમાં ઘર કરી ગયેલા વિચારોને દૂર કરવા નામુમકીન હોય છે અને જો આ અરસામાં સ્ત્રી ડિપ્રેશનનો ભોગ બની તો એ તકલીફ એને અને એના પરિજનોને અંત સુધી પરેશાન કરે છે. એને પોતાનો સમય આપવો ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે એ તો એક રસ્તો છે જ આમ થતું અટકાવવાનો પરંતુ એથી પણ સૌથી શ્રેષ્ઠ રસ્તો જો કોઈ હોય તો એ છે સ્ત્રી એ પોતાની મનગમતી પ્રવૃત્તિ બંધ ના કરવી. હા સ્ત્રી પોતાની તકલીફ ને બીજા પર આધાર રાખ્યા વિના દૂર કરી શકે છે ઘણા ખરા અંશે. લગ્ન પછી બધા જ નહિ તો 1-2 ખાસ મિત્રો સાથે સમયાંતરે વાત કરતા રહેવી અને શક્ય હોય તો મળતા પણ રહેવું કે જેની સાથે વાત કરવાથી મન હળવું થઇ શકે. પોતાની મનપસંદ પ્રવૃત્તિને કદી પણ ના છોડવી. લગ્ન એ મનગમતી પ્રવૃત્તિનો અંત ના હોવો જોઈએ પણ પોતે વધુ માહેર બનવા જોઈએ. જો સાસરી પક્ષ તરફથી પૂરતો સહયોગ ના મળતો હોય તો સ્ત્રીએ પોતાની લડાઈ પોતે જ લડવી પડશે. અને સ્ત્રી મક્કમ હશે તો સામે વાળા પણ સમજશે જ. સમજવું જરૂરી પણ છે. શા માટે જેને ઘરની લક્ષમી માનીએ છે એને એના પાછળના જીવનમાં તકલીફ પડે એવું થવા દઈએ? સ્ત્રીને સહયોગ આપવો એટલો જ જરૂરી છે જેટલો સ્ત્રીનો સહયોગ તમને જરૂરી લાગતો હોય. એને પણ એનું સ્વતંત્ર જીવન જીવવામાં મદદરૂપ થવું, એને એની મનગમતી પ્રવૃત્તિ ચાલુ રાખે એ માટે પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ. અને પોતે પોતાના મિત્રો સાથે સમય પસાર કરી શકવા જોઈએ લગ્ન પછી પણ એવી આશા રાખતા હો તો એને પણ એના મિત્રો સાથે લગ્ન પછી સંપર્કમાં રહેવાની પૂરતી આઝાદી મળવી જ જોઈએ. એને પણ એની મનગમતી પ્રવૃત્તિ માટે પૂરતું પ્રોત્સાહન મળતું રહેવું જોઈએ. આ સૌની ઉપર સૌથી પહેલા તો સ્ત્રી એ ખુદ એ જાણવું અને સમજવું જરૂરી છે કે એ જે માંગે છે એ એનો હક છે નહિ કે કોઈ વિશેષાધિકાર. એ ખુદ સમજે તો જ એ પોતાની લડત લડી શકશે અને સમજાવી શકશે. – વિશાલવાણી.