જોડીઓ સ્વર્ગમાં બને છે?

“જોડીઓ સ્વર્ગમાં બને છે”

આ વાક્ય ની સત્યતા બાબતે તો ઘણા લોકોને સંદેહ હોય જ છે કે આ જોડીઓ જો સ્વર્ગ માં જ બનતી હોય તો ત્યા પણ નાત-જાતના ભેદભાવ રાખતા હશે? ત્યાં પણ એ લોકો કુંડળીને બધું મેળવીને જોતા હશે?જે પણ હોય પણ આ આજકાલ જે કિસ્સાઓ બહાર આવે છે એ જોઈને લાગે છે કે આ જોડીઓ બનાવી રહેલા ડીપાર્ટમેન્ટ માં કોઈ મોટો ઝોલ ચાલી રહ્યો છે. મારા હિસાબે સેલેરી હાઈકનો જ ઇસ્યુ હોવો જોઈએ. અને એટલે જ કાર્યકરો ઢંગધડા વગરની જોડી બનાવીને મોકલી રહ્યા છે. જેની જોડી જેની જોડે બનવી જોઈએ એને બદલે સાવ વિરોધી વ્યક્તિ સાથે ગોઠવી દેવામાં આવે અને પછી થાય રમખાણ શરુ. પ્રભુ આ ડિપાર્ટમેન્ટના ઇસ્યુઝ પર જરા ધ્યાન આપીને જલ્દી સોલ્વ કરાવો, અહીં છૂટાછેડા વધી રહ્યા છે પૃથ્વી પર ને એમાં નામ તમારું ખરાબ થાય છે.

એક વિચાર બીજો એ પણ આવે કે શું પહેલાના લોકો ને મુશ્કેલીઓ આવતી નહોતી કે પછી એ લોકો બહુ સહન કરીને જીવતા હતા? ખેર વાત જે પણ હોય પણ મને જયારે કોઈ કહે છૂટાછેડા વિષે ત્યારે મારી પ્રતિક્રિયા સહજ હોય છે અને એટલું જ કહેવું હોય છે કે નિર્ણય પર કઈ બોલવું મારા માટે યોગ્ય નથી પણ હા તારી હિમ્મતને બિરદાવું છું કે સમાજ ને બદલે પોતાની ખુશી નો વિચાર કર્યો અને એથી પણ વધુ તારા માતા-પિતાને સલામ કે એમને પણ તારી ખુશીને મહત્વ આપ્યું સમાજ માં પોતાના નામની ચિંતા કર્યા વિના. જે ઘણા ખરા કિસ્સામાં હજી પણ માતા-પિતા માટે વધુ મહત્વ નું હોય છે એ જાણવા છતાં કે એમનું સંતાન આ સંબંધ માં ખુશ નથી.

એક બીજી હકીકત એ પણ છે કે સમયાંતરે માતા-પિતાએ પોતાની દીકરીઓને તો પગભર કરી અને સ્ત્રી સશક્તીકરણ માં યોગ્ય યોગદાન આપ્યું છે પરંતુ સામે પક્ષે દીકરાઓને હજીપણ સુપિરિયોરિટી માંથી બહાર લાવવાનું લેસન શીખવી નથી રહ્યા અથવા તો યોગ્ય રીતે શીખવી નથી શક્યા. જ્યાં સુધી કોઈપણ એક જાતિને સુપિરિઓર સાબિત કરવાની હોડ ચાલતી રહેશે ત્યાં સુધી દંગલ ચાલતા રહેશે. બંનેનું મહત્વ સરખું છે તે બાળકોને શીખવવું જરૂરી છે.

પણ જતા જતા ફરી એક વાર, પ્રભુ આ જોડીઓ બનાવા વાળા ડીપાર્ટમેન્ટ પર જરા સરખું ધ્યાન આપો હિન્દી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અરીજીત સિંઘના ઝોનરના ગીતો વધે એ બહુ સારું નહિ. – વિશાલવાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.