સત્ય. સત્ય સાપેક્ષ છે. જે એકને માટે સત્ય છે તે બીજાને માટે સત્ય ના હોય તેવું પણ બને. આ વિચારને વિસ્તૃત રીતે સમજવા માટે એક હાથી અને 6 આંધળા વાળી વાર્તા એકદમ યોગ્ય ઉદાહરણ છે. આ વાર્તા મુજબ 6 એ આંધળા હાથી ના અલગ અંગને અડીને હાથી વિશેનો પોતાનો ખ્યાલ રજુ કરે છે. કોઈ કહે છે હાથી દોરડા જેવો છે તો કોઈ કહે છે હાથી થાંભલા જેવો છે. અને પોતાની વાત ને જ પરમ સત્ય માનીને એ બધા વચ્ચે દલીલો થવા લાગે છે. પણ જોઈ શકનાર જાણે છે કે ખોટું કોઈ નથી પણ સંપૂર્ણ સાચું પણ કોઈ નથી. મારુ માનવું રહ્યું છે કે સત્યના 4 પ્રકાર છે. 1) મારુ સત્ય. હું જયારે મારો પક્ષ રજુ કરું ત્યારે તે મારુ સત્ય બને છે. 2) તારું સત્ય: મારી કહેલી વાત થી જે સહમત નથી અને પોતાનો પક્ષ રજુ કરે ત્યારે એ તેનું સત્ય રજુ કરે છે. 3) આપણું સત્ય: જો મારી વાત સાથે તમે સહમત હોવ તો પણ એનો અર્થ એમ નથી થઇ જતો કે એ સાચું સત્ય થઇ ગયું પણ એ તો થયું આપણું સત્ય. શક્ય છે કે એ સાચું સત્ય હોય પણ શક્ય એ પણ છે કે સનાતન સત્ય કંઈક અલગ જ હોય. કોઈ એક પણ વ્યક્તિ વિરોધમાં હોય તો અર્થ થયો કે સત્યની બીજી બાજુ સંભવ છે. 4) સાચું સત્ય કે જેને કહી શકાય સનાતન સત્ય: એવું સત્ય કે જે અફર છે. એટલે જ આપણે જે રજુ કરીએ છે તે આપનો પક્ષ છે, તે આપણું સત્ય છે પણ એ સનાતન સત્ય છે કે નહિ તે તો ઠોસપણે ના જ કહી શકાય. પણ પછી ઘણાની તકલીફ બની જાય છે કે તો પછી શું કરવું કે જેથી આપણે કદી ખોટા ના પડીએ?
આવી સમયે એક જ રસ્તો હોય છે અને એ છે સાચુકલા બનવાનો. સાચુકલા બનવું એટલે એવા બનવું કે જે આજે પોતાને જે યોગ્ય લાગે છે તે પક્ષ રજુ કરે પણ કાલે જો એને પોતાની ભૂલ સમજાય અથવા પોતાના નિર્ણયમાં ખોટ જણાય તો એ પોતાની ભૂલ હતી તેનો સ્વીકાર કરી શકે છે અને સાથો સાથ એ બીજાના સત્યને સાંભળીને સમજી પણ શકે છે. અને એટલે જ સાચુકલા બનવું એ આજના સમયની જરૂરિયાત છે. સાચા બનવાનો પ્રયત્ન કરનાર મોટાભાગે કોઈ એક સ્ટેન્ડ લેવામાં નિષ્ફળ જાય છે. અને એ તો સૌ સ્વીકારશે કે ભૂલ કરનારના શીખવાની શક્યતા છે પણ કઈ જ કરવાનું ટાળનાર કદી શીખી ના શકે.