પુરુષ અને અભિવ્યક્તિ

પુરુષ ની સૌથી મોટી ખામી એ છે કે એ પોતાની લાગણીઓને વ્યક્ત કરતા શીખ્યો જ નથી હોતો. લાગણીને વાચા આપવી એ એના માટે સંસારનું સૌથી કઠિન કાર્ય પુરવાર થાય છે. કેટલાક પુરુષો લાગણી ને શબ્દ આપીને લખાણના રૂપ માં રજુ કરી શકે, પણ એ જ શબ્દોને વાચા આપવાની વાત આવે તો પાણીદાર પુરુષ પાણી વિનાનો બની જાય છે. પાણીમાંથી પણ ધંધો કરી જાણતો પુરુષ પ્રેમની અભિવ્યક્તિની વાત આવે ત્યારે “6 ગ્લાસ પાણી” પીધા વિના બોલી શકતો નથી. પણ એ જ પુરુષ પોતાના વર્તનથી અભિવ્યક્ત કરી જાણે છે. બોલી નથી શકતો પણ વર્તી બતાવે છે.

લોકો ભલે કેહતા પુરુષ નીડર હોય છે. અસલમાં તો પુરુષ ડરપોક હોય છે પણ એનો ડર બહુ અસામન્ય છે. એને ડર હોય છે એ જેને પ્રેમ કરે છે એને ગુમાવી દેવાનો. (એટલે જ હું હંમેશા કહુ છુ કે જયારે કોઈ પ્રેમી એની પ્રેમિકા સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરે છે ત્યારે આદર આપવા ઘૂંટણિયે નથી બેસતો પરંતુ એને ડર જ એટલો હોય છે કે એ પગ પર ઉભો નથી રહી શકતો. :P) અને એટલે જ એ બોલતો નથી, એને કઈ ના ગમે તો પણ એ જતાવતો નથી. એને ડર રહે છે કે ક્યાંક મારી કોઈ વાત થી સામેવાળી વ્યક્તિ દુઃખી ના થઇ જાય. વ્યક્તિને ગુમાવી દેવાનો ડર એનામાં એવો ઘર કરી જાય છે કે સમયાંતરે એ પોતે જ એ વ્યક્તિ થી દૂર થઇ જાય છે કારણ કે એ ખુલી ને વાત નથી કરી શકતો.

માટે હે સખીઓ,બહેનો, માતાઓ જો તમારો પુત્ર, ભાઈ, પતિ, બોયફ્રેન્ડ, પિતા કે તમારા જીવનનો કોઈ પણ પુરુષ સાથી તમારી સમક્ષ પોતાની વાત ખુલીને રજુ ના કરતો હોય, પોતાના પ્રેમને શબ્દોમાં ના જતાવી શકતો હોય તો એનો પ્રેમ ઓછો છે એમ ના માનતા પણ એને એ અનુભુતી કરાવજો કે એના કંઈપણ કહેવાથી તમારા સંબંધમાં કોઈ જ ફેરફાર નહિ આવે. તો સમયાન્તરે એ પોતાની વાત વટથી રજુ કરતો થઇ જશે. – વિશાલવાણી

નોંધ: હંમેશા આવું ના પણ હોય એ તમે કોઈ લખો એ પેહલા થી માન્ય. ખોટી ચર્ચામાં આપણે પડવું જ નથી. આપણે તો ગરીબડા પુરુષોની વાત પહોંચાડવી છે બસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.