વિષય વિસ્તાર માંગી લે તેવો હોય ત્યારે એને વિસ્તૃત રીતે રજુ કરવાની મજા પણ અલગ હોય છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ અંગત રીતે મારો પસંદીદા વિષય ખરો એ તો ખાલી આપની જાણ ખાતર.
શરૂઆત આગલા લેખમાં લખેલ “યોગ્યતમનું અસ્તિત્વ” (Survival of the Fittest) થી કરીએ. અહીં એક ગેરસમજણ ઉભી થઇ શકે કે જે બળવાન છે તે ટકે છે. જયારે કે અર્થ એનો એવો જરા પણ નથી. યોગ્યતમનું અસ્તિત્વ નો અર્થ છે જે બદલાવ ને આસાનીથી અપનાવી શકે છે તે યોગ્ય છે. પ્રકૃતિમાં આવતા બદલાવને તમે અપનાવી ના શકો અને પોતાની જ રીતે જીવવાનો પ્રયત્ન કરો ત્યારે તમારો સર્વનાશ નક્કી છે. બદલાવ સૃષ્ટિનો નિયમ છે તો બદલાવ આપણામાં આવે તે પણ એટલું જ જરૂરી છે અસ્તિત્વને ટકાવી રાખવા માટે. અને જયારે બદલાવ નો સહજ સ્વીકાર શુન્ય નથી બનતો ત્યારે ઘર્ષણ થાય છે, ચળવળ ચાલે છે.
જો પ્રકૃતિ અને સંસ્કૃતિને સરળ ભાષામાં સમજાવી હોય તો એમ કહી શકાય કે પ્રકૃતિ એ હૃદય છે અને સંસ્કૃતિ એ મગજ છે. હૃદય એ સહજ છે, સરળ છે અને નિખાલસ છે. મગજ અસહજ છે, જટિલ છે અને ઘણી વખત દંભી બની જાય છે. કહે છે ને કે તમે એકલા હો ત્યારે જે વિચારો છો એ જ તમારી પ્રકૃતિ છે બાકી લોકો ની સામે જે રજુ થાઓ છો એ તો તમારો દંભ છે, તમારા પર થયેલ સંસ્કૃતિની અસર છે. કોઈ બદલાવ આવે જેમ કે ધંધામાં મોટાપાયે નુકશાન થવું, સંતાનનું છોડીને જતા રહેવું, પ્રેમિકા ની જોડે બ્રેકઅપ થવું, કોઈ અંગત સ્વજન ને ગુમાવી દેવું કુદરતી કે અકુદરતી રીતે, ત્યારે હૃદયને એક ધક્કો જરૂર લાગે છે પણ સમય જતા એ સ્વીકારી લે છે, જો ના સ્વીકારે તો હૃદય રોગનો હુમલો આવે. પણ દિમાગ જો ના સ્વીકારે તો એ ઘાતક બને છે. બીજાને કનડગત કરે છે. વેર લેવા જુદા જુદા તિકડમ રચે છે. પ્રકૃતિને જાહેરમાં પ્રેમ કરવાથી નુકશાન નથી થતું, સંસ્કૃતિને થાય છે. કારણ કે પ્રકૃતિમાં જે કઈ પણ સહજ છે તે બધાનો જ સ્વીકાર છે, સંસ્કૃતિમાં જે કઈ પણ સહજ છે તેના પર અંકુશ મુકવાની વાત છે.
પ્રણય પ્રકૃતિ છે, પરિણય સંસ્કૃતિ છે. પ્રણય એ સહજ છે. એ દિલ થી થાય છે અને નાત-જાત, ધર્મ-જ્ઞાતિ, ઉંમર કે સંબંધના કોઈ પણ જાતના વાડામાં એને બાંધી નથી શકાતો, પણ પરિણય એ અસહજ વૃત્તિ છે. જે જોડે આજે પ્રેમ છે તેની જોડે કાલે પ્રેમની ભાવના ના રહે તે શક્ય છે પણ સંસ્કૃતિ આનો સ્વીકાર નથી કરતી, પ્રકૃતિ કહે છે એ તો સહજ છે એવું બને પણ અને ના પણ બને. અને એટલે જ પ્રકૃતિ પરિણયમાં નથી માનતી. અને એટલે જ આધુનિક સમયમાં લીવ ઈન રિલેશન વધતા ચાલ્યા છે.