લેહ પ્રવાસ (પ્રવાસ વર્ણન)

14 જૂન : 2 વર્ષ ના ઇન્તેઝાર નો આખરે અંત આવ્યો હતો. હા આખરે અમે સૌ (હું,દેવાંગ,તેજસ અને હરીઓમ) ટ્રેન માં હતા. લેહ-લદાખ ની રોડ-ટ્રીપ માટે. અહીંથી પુરતી તૈયારીઓ અને જાણકારી મેળવીને પેપર પર એક પ્લાન તૈયાર કરીને નીકળ્યા હતા. આર્યા ની પાસેથી પુરતી માહિતી મેળવી લીધી હતી ક્યારે ક્યાં રાત્રી રોકાણ કરવું ત્યાં સુધીની તૈયારી હતી. ઓન પેપર તો અમારો પ્લાન એકદમ પરફેક્ટ હતો.ત્યારે ખબર નહોતી કે ત્યાં જો વાતાવરણ થોડી પલટી મારે તો પ્લાન ની ધજ્જિયા ઉડી જાય. પણ અત્યારે તો અમે આ સૌથી બેખબર ટ્રીપ શરુ થયાના આનંદ માં ટ્રેન માં બેઠા હતા. વાણીયા હોવાને કારણે એમાં પણ ગુજરાતી વાણીયા હોવાને કારણે તમને દરેક જગ્યાએ કોઈને કોઈ તો ઓળખીતું મળી જ જાય. એવું જ થયું અમારી જ ટ્રેન માં અમારા જ ડબ્બા માં એક ટુર માં એક ફેમીલી જી રહ્યું હતું જે ઓળખાણ માં નીકળ્યા તો એમની જોડે ગપ્પા મારતા ધમાલ મસ્તી કરતા ટ્રેન ની સફર નો અંત આવ્યો અને 15 જુન ના પહોચ્યા જમ્મુતાવી રેલ્વેસ્ટેશન. ટ્રેન એના નિર્ધારિત સમય થી 2.5 કલાક મોદી હતી અને શરુ થયા ઝટકા. અમારી સાથે જ અમારી બાઈક્સ પણ સ્ટેશન ઉતરી તો ખરી પણ એ દિવસે અમને મળી નહિ કારણ જમ્મુ રેલ્વેસ્ટેશન પર 5 વાગ્યા પછી goods release નથી કરતા. પ્લાન મુજબ અમે તરત પટનીટોપ જવા નીકળી જવાના હતા અને એ રાત પટનીટોપમાં રોકાણ હતું. પણ ઘણી request છતાં જયારે કોઈ મેળ ના પડ્યો તો જમ્મુ માં રોકવા સિવાય કોઈ છૂટકો નહોતો. ટ્રેન ની સફર નો થાક અને બાઈક ના મળવાને કારણે પ્લાનમાં થયેલી ગડબડ ને કારણે હોટેલ શોધવામાં વધુ સમય આપ્યા વિના જે પહેલી સારી હોટેલ દેખાઈ તેમાં રહી ગયા. રાત્રે થોડું ઘણું આજુબાજુ માં રખડ્યા અને બીજા દિવસે જલ્દી થી ટ્રીપ શરુ થાય એ આશાએ સુઈ ગયા.

બીજે દિવસે સવારે 10:30 એ બાઈક મળ્યા અને બાઈક પર સામાન બાંધી કરીને 11 વાગ્યે જમ્મુ થી રોડ-ટ્રીપ શરુ કરી. હવે પ્લાન માં ફેરફાર કરી દીધો હતો અને પટનીટોપ કેન્સલ કરીને સીધા શ્રીનગર પહોચાવાનું નક્કી કર્યું હતું. અને પહેલા જ દિવસે હજી સફર શરુ કર્યે 1 કલાક થયો હશે ને વરસાદ શરુ થયો.સામાન ને પ્લાસ્ટિક બેગ થી ઢાંક્યો અને પલળતા જ નીકળી પડ્યા. જમ્મુ માં ગરમી હતી એટલે કોઈ ગરમ વસ્ત્ર પહેર્યા નહોતા પણ જેમ ઉપર જતા તા એમ ઠંડી વધતી હતી પણ સ્વેટર કાઢવા રોકવા જેટલો સમય પણ નહોતો. પહેલે જ દિવસે 310 km નો ટાર્ગેટ સેટ કર્યો હતો. રસ્તા માં એક જગ્યાએ cbz માં પંક્ચર પડ્યું તો એને ઠીક કર્યું અને રાત્રે 11 વાગ્યે છેવટે શ્રીનગર પહોચ્યા. શ્રીનગર સુધીના સફર માં ઠંડી અને વરસાદ નો અનુભવ કરી લીધો. CBZ માં ઢાળ પર જેમ ચડતું હતું તેના થી અંદાઝો આવી ગયો હતો કે આગળ ની સફર આસન નહિ રહે છતા પણ આગળ ની ચિંતા કાર્ય વિના બસ આગળ વધતા જતા હતા. શ્રીનગર માં રાત્રે મોડા પહોચ્યા નું નુકશાન એ થયું કે ના સારું જમવાનું મળ્યું અને રહેવાનું પણ ઠીક-ઠાક મળ્યું.

ત્રીજે દિવસે સવારે શ્રીનગર માં આસપાસ માં ફર્યા. શિકારા નો આનંદ ઉઠાવ્યો. ગાર્ડન્સ જોયા અડધો દિવસ શ્રીનગર ને આપ્યો અને પછી નીકળી પડ્યા કારગીલ સુધીનો ટાર્ગેટ સેટ કરીને. પહેલે દિવસે 310 km નો ટાર્ગેટ achieve કરીને લાગતું હતું કારગીલ 200 km છે તો પહોચી જઈશું પણ 6 વાગ્યે સોનમાર્ગ પહોચ્યા અને એ પછી ઝોજીલા પાસ આવતો હતો જે સાંજે પાસ કરવો સમજદારી વાળું નહોતું અને એટલે જ સોનમર્ગ માં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. અહી snowland નામની હોટેલમાં રહ્યા જેની બારીમાંથી river view મળતો હતો. રૂમ 5 સ્ટાર હોટેલ ની રૂમ ને ટક્કર મારે તેવી. અને સર્વિસ પણ અફલાતુન. સોનમાર્ગ કોઈ ખાસ વિકસિત જગ્યા નથી તેથી ખાસ કઈ જોવા લાયક પણ નહોતું છતાં નાનકડું બાઝાર જેવું હતું તો રાત્રે ફરવા નીકળ્યા. ચાલતા નીકળ્યા અને જતી વખતે તો ના ખબર પડી પણ પાછા ફરતી વખતે જણાયું કે થોડું વધારે જ ચાલી લીધું હતું.

ચોથા દિવસે હવે કારગીલ પહોચાવાનું હતું. વચ્ચે ઝોજીલા પાસ વન વે હોવાથી સોનમર્ગ થી કારગીલ જવાનો રસ્તો 2 વાગ્યે ખુલે છે. એટલે 2 વાગ્યા સુધી સોનમર્ગ માં જ હતા. બીજા ઘણા બાઈકર્સ અહી દેખાયા. અત્યાર સુધી બાઈકર્સ દેખાતા નહોતા હવે બાઈકર્સ દેખાવા શરુ થયા હતા. 2 વાગ્યા અને આગળ ની જર્ની શરુ કરી. લગભગ બધા બાઈકર્સ સાથે રહેવાય તેમ ચાલ્યા જેથી કોઈ મુશ્કેલી આવે તો તેમની મદદ લઇ શકાય. ઝોજીલા નો રસ્તો અદભુત હતો. કોઈ પાક્કો રસ્તો નહિ. ગ્લેશિયર પીગળવાને લીધે કાદવ થઇ ગયો હતો છતાં પણ બાઈક ચલાવાની મજા આવી. ઝોજીલા પાસ પર રસ્તા ની બંને તરફ બરફ હતો. બંને બાજુ પર્વત પર માત્ર ને માત્ર બરફ જ હતો. એક મિનીટ માટે ફોટો પાડવા પણ ગ્લોવ્સ માંથી હાથ બહાર કાઢો તો ઠરી જવાય. ઝોજીલા પાસ પર ખાસ ફોટોસ પાડ્યા જલસા કર્યા અને પછી નીકળ્યા દ્રાસ જવા. ત્યાં જમવાનો પ્લાન હતો. દ્રાસ પહોચ્યા પણ જમવા લાયક કોઈ જગ્યા જણાઈ નહિ તો થોડો નાસ્તો કરીને “કારગીલ વોર મેમોરીયલ” જે ત્યાંથી 20 km જેવું જ હતું ત્યાં જવા નીકળ્યા. કારગીલ વોર મેમોરીયલ પહોચ્યા અને જાને દિલ માં દેશભક્તિ નો ઉભરો આવી ગયો. ત્યાંના જવાનો પાસેથી 1998 વોર ની કહાની સાંભળી શહીદો ના નામ અને સ્મારક જોયા અને થયું જો હમણા gun મળે તો 5-6 દુશ્મનોને તો હમણાં ઢાળી દઈએ.

આર્મી રેસ્ટોરંટ માં જે કઈ મળતું હતું તે પણ સ્વાદિષ્ટ હતું. વોર મેમોરીયલ થી યાદો અને દેશભક્તિ ને દિલ માં લઈને આગળ વધ્યા અને પહોચ્યા કારગીલ. 2-3 હોટેલ ફર્યા પણ કોઈ જગ્યા નહોતી. એક જગ્યા એ તો એમ કઈ દીધું કે જ્યાં જગ્યા મળે ત્યાં લઇ લેજો વિચારતા નહિ કેવું છે પણ છેવટે કામ લાગ્યું જમ્મુ – કાશ્મીર ટુરીઝમ નું ગેસ્ટ હાઉસ. અહી એક જ રૂમ ખાલી હતી અમારા નસીબ થી જે અમને રહેવા માટે મળી ગઈ. કારગીલ માં વેજીટેરીયન માટે ખાવાનું મુશ્કિલ છે. એગીતેરીયન ને હજી વાંધો ના આવે અને નોન-વેજીટેરીયન ને જલસા પડી જાય. રાત નું જમવાનું અને સવાર નો નાસ્તો બંને માં તકલીફ તો પડી પણ જયારે તમે રોડ-ટ્રીપ પર હો ત્યારે સારું રહેવાનું અને ખાવાનું મળે તે આશા રાખવી એ વધારે પડતી અપેક્ષા રાખી કહેવાય.

આખરે કારગીલ થી લેહ જવા નીકળ્યા. કારગીલ થી લેહ નો રસ્તો ખુબ સરસ હતો. શરૂઆત માં ઢાળ પર CBZ થોડી તકલીફ કરતુ હતું એટલે એર-ફિલ્ટર કાઢી નાખ્યું. રસ્તામાં મુનલેન્ડ , મેગ્નેટિક હિલ, પથ્થર સાહિબ ગુરુદ્વારા જેવા સ્થળો જોતા જોતા અને સીન-સીનેરી નો આનંદ ઉઠાવતા ઉઠાવતા લેહ પહોચ્યા. મેગ્નેટિક હિલ પર ઘણા પ્રયત્નો છતાં કોઈ મેગ્નેટ નું આકર્ષણ લાગતું હોય તેવું અનુભવ્યું નહિ. બાઈક પૂરું આડું પાડી દીધું તોય કોઈ અસર થઇ નહોતી. તો કોઈ ત્યાં જાય અને એને મેગ્નેટ ની અસર જણાય તો ખાસ જાણ કરે.

લેહ સુધી ના પ્રવાસ માં બરફીલા ડુંગરો, બરફ ની વચ્ચે થી પસાર થતા રસ્તા, વરસાદ, ઠંડી આટલો અનુભવ થઇ ગયો હતો અને એના પર થી માની રહ્યા હતા કે અમે ધીમે ધીમે ટેવાઈ રહ્યા છીએ પણ અમે ખોટા હતા એ વાત ની જાણ અમને બીજે જ દિવસે થવાની હતી.

લેહ માં જે હોટેલ માં રહ્યા હતા ત્યાં એક uncle મળ્યા જે 3 દિવસથી ત્યાં હતા. ટુર માં આવ્યા હતા અને આજુબાજુમાં બધે ફરી ચુક્યા હતા એટલે એમની પાસેથી ક્યાં જવામાં કેટલો સમય લાગે એ જાણકારી મેળવી. જેથી અમને આગળનો પ્લાન કરતા ખબર પડે.

બીજા દિવસે સવારે વહેલા નીકળી પડ્યા ડીસ્કિત(નુબ્રાવેલી) જવા માટે. જ્યાં પહોચવા માટે “World’s Highest Motorable Road” ખર્ડુંગલા પાસ ને પાસ કરવો પડે છે. ખર્ડુંગલા પાસ ની એક ખાસિયત તે દુનિયાનો સૌથી ઉચો મોટોરેબલ રોડ છે તે છે અને બીજી ખાસિયત ત્યાં જવાનો રસ્તો છે. ઓહ સોરી એને રસ્તો કહીને રસ્તાનું અપમાન નથી કરવું. એટલો બેકાર રોડ કે ત્યાં પહોચતા સુધીમાં તો ચલાવનાર જ કંટાળી જાય. 28 km નો રસ્તો ખરાબ છે ટોટલ. અને એમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન નો પણ વાંક નથી કારણ બરફ ના ગ્લેશિયર્સ સતત પીગળતા રહેવાને કારણે રોડ બનાવો એમ પણ મુશ્કિલ છે છતાં તેઓ દર થોડા દિવસે નવો રોડ બનવા પ્રયત્નશીલ રહે છે. હા તો ખર્ડુંગલા ટોપ પર પહોચી તો ગયા અને અહી સુધી બધા સલામત પણ હતા. પણ હવે અચાનક થી હરિઓમ ને માથા માં દુખાવો શરુ થયો હતો. ફોટો પડાવ્યા પછી કેફે માં બ્લેક ટી પીધી છતાં એને ખાસ ફર્ક જણાયો નહિ અને એમ પણ ત્યાં ચેતવણી લખી હતી કે 20-25 મિનીટ થી વધુ સમય અહી વિતાવવો નહિ તો અમે વહેલી તકે ત્યાંથી નીકળી જવાનું મુનાસીબ માન્યું. નીચે ઉતરવાનો રસ્તો પણ ખરાબ હતો અને એ રસ્તો પૂરો કરીને અમે એક ઢાબા જેવી જગ્યાએ સાઉથ પલ્લુ (અથવા નોર્થ પલ્લું) પર ઉભા રહ્યા. થોડો નાસ્તો કર્યો. માઉન્ટેન સિકનેસ ની દવા હરિઓમ એ તો લીધી અમે સૌએ પણ લઇ લીધી કારણ કાલે ફરી આ જ રસ્તે આવાનું હતું. હવે ધીમે ધીમે તેજસ ને પણ અસર થઇ રહી હતી. અને તેઓ બાઈક પર પણ બેસી શકે તેમ ન હોવાથી એક કાર પાસે લીફ્ટ માંગી અને તેઓ એમાં બેસીને ડીસ્કિત – નુબ્રાવેલી ના T રોડ સુધી પહોચ્યા અને પાછળ હું અને દેવાંગ બાઈક્સ લઈને ત્યાં પહોચ્યા. ત્યાંથી ફરી બીજી એક કાર ની લીફ્ટ લઇ તેમને દીસ્કિત પહોચાડ્યા અને અમે બાઈક લઈને દીસ્કિત પહોચ્યા. ડીસ્કિત પહોચીને સૌથી પહેલાતો ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ માં રૂમ લીધી અને તેજસ અને હરિઓમ ડોક્ટર ને બતાવા ગયા. સાથે હું પણ ગયો. ડોક્ટર સુંદર હતી એ વિષે વિગતે લખી શકાય પણ ટાળવાનું પસંદ કરીશ. બંને ની તપાસ કરીને એમને આરામ કરવા જણાવ્યું અને પેરસીટેમોલ આપી. કહ્યું ખાસ કઈ નથી બસ આરામ ની જરૂર છે. અને પછી મારું ચેક-અપ કર્યું કારણ હું પણ તો એ જ રસ્તે આવ્યો હતો અને રીઝલ્ટ ચોકાવનારું નીકળ્યું. હું કે જે અત્યાર સુધી એકદમ ફીટ હતો મારા માં ઓક્ષીજન નું પ્રમાણ ઓછું આવ્યું. અને કહેવામાં આવ્યું કે અડધો કલાક બોટલ ચડાવો પડશે. આનાકાની કરી પણ અંતે સુઈ જ જવું પડ્યું અને દીસ્કિત માં ઓક્ષિજન બોટલ નો ઓક્ષિજન લઈને આવ્યો. આ બાજુ દેવાંગ ને પણ સખત ઠંડી ચઢી હતી. ટુક માં બધાની હાલત ખસતા હતી. અને એટલે જ વહેલા જામી લીધું અને વહેલા જ સુઈ ગયા. બીજે દિવસે ઉઠ્યા પણ ઘણા આરામ થી. અહી ડીસ્કિત માં પણ ગેસ્ટ હાઉસ હતું પણ સર્વિસ ખુબ ઉમદા મળી અને જે વ્યક્તિ સંભાળ લઇ રહયો હતો તે ખુબ જ પ્રમાણિક હતો. અને અહી થી જણાયું કે લેહ ના લોકો બહુ જ પ્રમાણિક અને સારા હોય છે. આજુબાજુ માં નુબ્રાવેલી ને બધે ફરી આવ્યા અને અંતે સમય આવ્યો પાછા લેહ ફરવાનો. ફરી એ જ ખર્ડુંગલા પાસ જવાનું હતું. પુરતી તૈયારીઓ કરીને નીકળ્યા હતા. નીકળતા હતા ત્યારે જ રસ્તા માં મળ્યા Retd Lt Col Stobdan Kalon. જેમની પાસે થી ઘણી ખરી માહિતી મળી દરેક યુદ્ધ ની અને બીજી ભૌગોલિક રીતે લેહ ના importance ની.

છેવટે પાછા લેહ ફરવાનો સમય આવી ગયો અને નીકળી પડ્યા પાછા ફરવા. પાછા ફરતા ખાસ મુશ્કેલી ના પડી સિવાય કે વચે એક જગ્યા એ શોર્ટકટ લેવા જતા બંને બાઈક સ્લીપ થઇ ગયા અને પગ થોડા છોલાઈ ગયા પણ બાઈક જે રીતે પગ પર પડ્યું હતું એ રીતે બીજી કોઈ મોટી ઈજા ના થઇ તે સારું હતું અને સહી સલામત કહી શકાય તેમ લેહ પહોચી ગયા. સમય હતો તો લેહ ની આસપાસ ફરવા લાયક સ્થળો જેવા કે શાંતી સ્તૂપ, લેહ પેલેસ પણ ફરી આવ્યા. અહી હજી બધાને થોડા આરામ ની જરૂર લાગતી હતી એટલે નક્કી કર્યું કે પેન્ગોંગ ત્સો ગાડી કરીને જઈએ જેથી દિવસ નહિ બગડે અને આરામ પણ મળી રહેશે. રાત્રે ગાડી નક્કી કરી અને બીજે દિવસે વહેલી સવારે નીકળી પડ્યા પેન્ગોંગ ત્સો જવા માટે. ફરી એક વખત ડ્રાઈવર જે હતો તે લડાખી હતો એટલે કોઈ શક નહોતો કે વ્યક્તિ બહુ સારો હશે અને ખરેખર સારો વ્યક્તિ હતો. અમને કરું માં નાસ્તો કરાવ્યો અને પછી આગળ વધ્યા. અહી હવે થોડી મારી તબિયત બગડી રહી હતી. માઉન્ટેન સિકનેસ ની અસર થઇ રહી હતી કારણ આજે અમે હતા “World’s Second Highest Motorable Road” ચાંગલા પર અને આજે અનુભવ થયો હતો સ્નો ફોલ નો અને આ બધાને કારણે વોમિટ શરુ થઇ હતી. પરંતુ એટલી પણ તબિયત બગડી નહોતી અને આખરે પેન્ગોંગ ત્સો પહોચી ગયા. રંગ-બે-રંગી પાણી. અહા શું નજારો હતો. અદભુત. પાણી નો રંગ સૂર્ય ના કિરણો ને લીધે હતો જે નજરો આંખો ને અદ્ભુત ઠંડક આપતો હતો. પાણી ના રંગોને આંખો માં ભરીને અમે પાછા ફર્યા અને રસ્તા માં ધુમ્મસ એટલું બધું હતું કે કાચ ની આગળ કે આજુબાજુ કઈ જ દેખાતું નહોતું. પણ આજે અમે ગાડી માં હતા તો અમને ચિંતા નહોતી અને ફરી એક વખત લેહ આવી પહોચ્યા અમે. આ અમારી લેહ માં છેલ્લી રાત હતી અને હવે અમે રીટર્ન જર્ની શરુ કરવાના હતા. 2 દિવસ માં મનાલી અને પછી 2 દિવસ મનાલી માં અને ત્યાંથી 2 દિવસ માં અંબાલા. વાહ શું પ્લાન હતો. પરફેક્ટ. પણ ના ફરી એક વખત આ તો અમારો પેપર પર નો પ્લાન હતો. હકીકત માં આવું થાય છે કે નહિ એ વેધર પર આધાર રાખે છે તે અમને આજે જ સમજાવાનું હતું.

સર્ચું રાત સુધીમાં પહોચી જવાની આશાએ અમે લેહ થી નીકળ્યા. આજના રસ્તા અત્યાર સુધીના રસ્તા કરતા સારા જણાતા હતા. ફરી એક વખત આજે અમે “World ‘s Third Highest Motorable Road” તગલાંગ લા પર થી પાસ થયા હતા. હવે તો આ બધું સામાન્ય લાગતું હતું. ત્યાંથી ઉતર્યા અને સીધા રસ્તા આવ્યા જે હતા મોરે પ્લેન્સ પણ અહી આજે વેધર ખરાબ હતું અને સખ્ત પવન હતો ઠંડી સાંજ ઢળે તેમ વધતી જતી હતી. આ પાસ કરીને જે પહેલી રોકવા લાયક જગ્યા હતી તે પાંગ ગામ હજી 30 km દુર હતું. છેલ્લે તો ખાલી 10km પણ ઘણા વધારે લાગતા હતા અને આખરે જેમ તેમ કરીને અમે પાંગ ગામ પહોચી ગયા. જે પહેલો ટેન્ટ દેખાયો તેમાં થરથરતા ઘુસ્યા અને કોફી નો ઓર્ડર કર્યો અને વિચારવા લાગ્યા કે આગળ સર્ચું સુધી જવું કે અહી જ રોકાઈ જવું. સર્ચું અહીંથી માત્ર 80km હતું પણ 6 વાગી ચુક્યા હતા અને લેહ માં 6 વાગ્યા પછી ડ્રાઈવ કરવું સલાહભર્યું નથી એમાં પણ આવા વાતાવરણ માં. અને જોયું તો અમારી સામે સગડી મુકાઈ ગઈ હતી. ટેન્ટ માં જે લેડી હતી તેને જોયું કે અમે ઠંડી થી થથરી રહ્યા છે એટલે તાપણું કરવા માટે તેને સગડી અમારી પાસે મૂકી દીધી હતી. અમે હજી અવઢવ માં હતા કે ક્યાં રોકાવું ક્યાં નહિ અને એક ફેમીલી આવ્યું જે અહી આ ટેન્ટ માં રોકવા માંગતું હતું. ટેન્ટ ના જે ઓનર હતા તે એક વાર પૂછી ગયા હતા કે અમે અહી રોકાસુ કે આગળ વધશું અને અમે કહ્યું હતું કે પાંગ માં રોકાશું અહીનું ખબર નહિ.બસ આટલું કહ્યું અને એમને પેલા ફેમીલી ને સાફ શબ્દો માં કહી દીધું કે અમે અહી પહેલા આવ્યા છીએ એટલે અમને પહેલા ચાન્સ મળશે અને જો અમે ના પાડીએ તો જ તેઓને રહેવા મળશે. અમે 4 હતા અને તેઓ 8 અને તેઓ ઉપર થી વધુ રૂપિયા આપવા તૈયાર હતા છતાં પણ અંકલ એ એમને ના પાડી અને અમને રહેવા દીધા. અને ત્યારે સમજાયું કે રૂપિયાથી ખરીદી શકાય તેટલા સસ્તા લોકો નથી આ લેહ વાળા પણ દિલ માં ઉતરી જાય તેટલા કીમતી લોકો છે આ તો. એ રાતે એમને જે જમવાનું બનાવ્યું તે પણ ઘર જેવું લાગ્યું હતું. અમારે લીધે એમને બીજાને જવા દીધા હતા એટલે અમે પણ બહાર ઉભા રહીને જે આવે તેને આ ટેન્ટ માં રહેવા માટે મનાવા લાગ્યા હતા.અમે ઈચ્છતા હતા કે તેઓની જગ્યા ખાલી ના રહે કારણ તેઓએ તો અમારા દિલ માં જગ્યા બનાવી લીધી હતી. એ રાતે તેમને તેમના 6th standard માં ભણતા છોકરા ની પણ વાત કરી અને દિલ્હી કોલેજ માં એડમીસન લેવા ગયેલી છોકરી ની પણ વાત કરી. જાણે એમને અમને એમના પરિવાર ના સદસ્ય જ માની લીધા. એમના સંતાન જેવા જ હતા અમે એમને માટે. રાતે ઠંડી ના લાગે એ માટે 2-2 બ્લેન્કેટ આપ્યા દરેક ને. અને સાંજે જ આકાશ જોઇને કહી દીધું હતું કે કાલે વાતાવરણ સારું હશે ચિંતા ના કરશો. સવારે પણ અમે થાક ને કારણે મોડે સુધી સુતા તો જગાડવા આવી ગયા કારણ તેઓ જાણતા હતા કે અમારે આજે લાંબી સફર કાપવાની છે. અહી આવતા આવતા અમારા મનમાં લેહ વાસીઓ માટે એક વિશેષ માન સ્થાપિત થઇ ચુક્યું હતું. અને હવે સમજાયું હતું કે આપના ઘરો માં જે વોચમેન હોય છે તે ગુરખા લોકો જ કેમ હોય છે.નેપાળી લોકો એટલે પણ લડાખી લોકો જેવા જ. એક જ એવું કહી શકાય. આ લોકો કદી કોઈનું ખોટું કરી જ ના શકે. જો કે આ લોકો નું કહેવું છે કે બહાર થી લોકો આવા લાગ્યા છે એમ એમ અમારા લોકો પણ હવે થોડા થોડા બગાડવા લાગ્યા છે પણ અમને તો કોઈ બગડેલા લોકો મળ્યા નહિ.

પાંગ ગામ થી સારી યાદો લઈને અમે નીકળ્યા કોઈ જ ટાર્ગેટ સેટ કાર્ય વગર જેટલા આગળ પહોચાય તેટલા આગળ પહોચવા. વળી અહી પાંગ માં મોબાઈલ નેટવર્ક નહોતું એટલે કોઈએ ઘરે ફોન નહોતો કર્યો આજુબાજુ માં કોઈ STD પણ નહોતું. પાંગ થી નીકળી ને થોડે જ આગળ ગયા ને ખરાબ રસ્તો આવ્યો જેને રસ્તા ની કેટેગરી માં ના મુકાય. પણ આજે તો શક્ય તેટલું વધુ અંતર કાપવાનું હતું. બસ પછી તો શુ ચાલતા રહ્યા નજારાઓનો આનંદ માણતા રહ્યા અને જોત જોતા હિમાચલ પ્રદેશ માં આવી પણ ગયા. જમ્મુ કાશ્મીર નો પ્રવાસ અહી પૂરો થતો હતો અને હવે સાંજ થઇ ચુકી હતી એટલે નક્કી કર્યું કે રાત કીલોંગ માં પસાર કરીએ. ફરી એક વખત સરકારી ગેસ્ટ હાઉસ ના આશરે ગયા અને ગુજરાતી હોવાનો લાભ મળ્યો. એક જે સ્પેશ્યલ રૂમ હતી તે અમને મળી ગઈ જે સામાન્ય રીતે કોઈને આપી ના શકાય પણ ગુજરાતીઓ હોય છે જ એટલા ખાસ કે આવી રૂમો બીજા કોઈને મળે ના મળે ગુજરાતીને જરૂર મળે. અહી થી હવે મનાલી માત્ર 115 km હતા.અને આજે વાતાવરણ સાફ હતું એટલે અમે માન્યું કે જો ટ્રાફિક ના નડે તો 4 કલાક માં મનાલી પહોચી જવાશે. એટલે અમે થોડો વધુ આરામ કરીને 11:30 એ કીલોંગ થી નીકળ્યા.

નીકળ્યા ત્યારે વાતાવરણ સ્વચ્છ જ હતું અને રસ્તા પણ સારા હતા. પણ રોહતાંગ પાસ એ કૈક અલગ જ પ્લાન કર્યો હતો અમારે માટે. રોહતાંગ પાસ જતા રસ્તા માં ઘણી જગ્યા એ ગ્લેશિયર્સ પીગળીને પાણી રસ્તા પર ભરાઈ જાય છે અને તેને પાસ કરવા તમારે પાણી માં પગ નાખવો જ પડે અને બરફ નું પાણી હોવાને કારણે તે ઘણું જ ઠંડુ હોય છતાં આ બધુ પાછલા 2 દિવસ થી સહન કરતા આવ્યા હતા એટલે કઈ લાગ્યું નહોતું એટલા ટેવાઈ ગયા હતા કે હવે તો બરફ ના પાણી માં પગ ડુબાડ્યા પછી પણ કોઈ અસર નહોતી થતી.પણ જેવા ઉપર પહોચ્યા અને બર્ફબારી શરુ. વરસાદ શરુ. ધુમ્મસ એટલું કે આગળ કઈ કરતા કઈ જ દેખાય નહિ અને બંને બાજુ બરફ એટલો કે ઠંડી માં જાન જતી તી.અને પેલા જે પગ બરફ ના પાણી થી ભીના થયા હતા તે હવે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા. રોકાઈ જવા સિવાય કોઈ છૂટકો નહોતો. વાવાઝોડું સખત ફુકાઇ રહ્યું હતું. એક પ્લાસ્ટિક બાંધ્યું હતું બરફ થી બચવા માટે તે પણ ઉડું ઉડું થઇ રહ્યું હતું. હાથ અને પગ ઠંડા પડી ગયા હતા. અહી જો નેટવર્ક મળ્યું હોત તો અમે ઘરે કહી ચુક્યા હોત કે રાત સુધીમાં ફોન ના આવે તો અમે ક્યારેય પાછા નહિ આવીએ તે જાની લેજો અને રોહતાંગ પાસ પર થી અમને ઉઠાવા આવી જજો. લગભગ 2 કલાક રાહ જોઈ કે કૈક આગળ જવાય તેવું વાતાવરણ થાય પણ કોઈ જ સુધારો નતો થઇ રહ્યો એટલે છેવટે નક્કી કર્યું કે જે થાય તે ઉતારવાનું શરુ કરીએ અને જે થશે તે જોયું જ જશે. નીચે ઉતર્યા 10 km જેવું પછી વાતાવરણ થોડું સારું જણાયું પણ ઠંડી હજી સખત લગતી હતી કારણ હાથ પગ ઠંડા પડી ગયા હતા. અને એમાં આવ્યું ફરી એક ઝરણું. એ પાસ કરીને થોડી વાર ઉભા રહ્યા થોડી રાહત મેળવવા ને જોયું porche કાર અને એમાંથી ઉતર્યા “દલેર મહેંદી” અમે તો હજી વિચારતા હતા કે આ દલેર મહેંદી જ છે કે બીજું કોઈ અને એ જ સામે થી આવ્યા ક્યાં હાલ હે કરતા. અમે તો એકદમ રોમાંચિત થઇ ગયા. એમની સાથે વાતો કરી ઉપર ના હાલ કીધા હાથ મિલાવીને ફોટો પડાવ્યો અને બસ પછી ટ્રાફિક શરુ થયો એટલે એ ફરી કાર માં બેસી ગયા અને અમે આગળ વધવા નીકળી પડ્યા. હજી તો ઠંડી થી માંડ થોડી રાહત મળી તી ને ખબર પડી બાઈક માં પંક્ચર પડ્યું છે.આજુ બાજુ માં કોઈ પંક્ચર વાળો હતો નહિ ના પંક્ચર કીટ હતી. આવામાં 2 જન બાઈક પર પોસાય તેમ નહોતું એટલે હું એક કારમાં લીફ્ટ લઈને બેસી ગયો અને દેવાંગ પંક્ચર વાળું બાઈક લઈને મનાલી પહોચ્યો. મનાલી પહોચતા સુધીમાં એટલા થાકી ગયા હતા કે જે પહેલી હોટેલ દેખાઈ ત્યાં રોકાઈ ગયા.

મનાલી માં ફરવાનો વધારે સમય ના મળ્યો અને બીજે દિવસે બપોર સુધીમાં નીકળી જવું પડ્યું આગળ જવા માટે. આજ થી તો હવે સીધા રસ્તા શરુ થઇ રહ્યા હતા. રાત બિલાસપુર માં રોકાયા. અહી થી નીકળી ને ચંડીગઢ પહોચ્યા. હોટેલ માં ચેક-ઇન કરીને મુવી જોવા નીકળી પડ્યા અને ચંડીગઢ માં જોયું ટ્રાન્સફોર્મર્સ. ચંડીગઢ ની ખુબસુરતી નિહાળી અને બસ બીજે દિવસે નીકળી ગયા અંબાલા માટે જે ચંડીગઢ થી માત્ર 40 km હતું. હવે ફરી ગરમી શરુ થઇ ગઈ હતી. ખાસ કરીને ઠંડી માંથી આવ્યા હોવાથી કૈક વધુ જ ગરમી લાગી રહી હતી. સ્ટેશન તો 1 વાગ્યા ના પહોચી ગયા અને ત્યાર થી ટ્રેન ની જ રાહ જોતા હતા કે ક્યારે ટ્રેન આવે ને AC માં બેસીએ. અને એની સાથે જ રાહ જોતા હતા કે ક્યારે બાઈક ની ટ્રેન માં ચઢવાની વિધી પૂરી થાય.1 કલાક ના કામ માટે તે લોકો એ 5 કલાક લીધા. આખરે બધી વિધિ પૂરી થઇ 6 વાગે ટ્રેન આવી ને વડોદરા ની અંતિમ જર્ની શરુ થઇ. અને બસ આવી પહોચ્યા ફરી એક વખત વડોદરામાં એક યાદગાર અને રોમાંચક સફર ને અંતે.

5 thoughts on “લેહ પ્રવાસ (પ્રવાસ વર્ણન)

  1. Hi Vishal

    How are you ?

    The Design & Matter of Blog vishalvani.com is a very perfect & very useful for everyone who want to visit the place which you travelled in past.

    Actually i want to write, but the words missed by me or i can not understand that what to write & what to not write.

    Any way Once Again I personally think that you are genius No. 1 in our whole family who create this knowledgeable thing.

    Hemin Shah – 9998240920 / hemin.shah75@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.