માનવી ની સ્વભાવગત લાક્ષ્ણિકતા રહી છે કે અન્ય વ્યક્તિ માટે તે પૂર્વધારણા બાંધી લે છે. આ ધારણા જો પ્રથમ વખત ની મુલાકાત હોય તો દેખાવ આધારીત હોય છે મોટેભાગે અને મિત્ર રહી ચુક્યા હોય તો અમુક વખત ભૂતકાળ ના કોઈ પ્રસંગ ને આધારીત કે કોઈની સાંભળેલી વાત ને આધારીત. અને જો સામેની વ્યક્તિ પોતાની બાંધેલી એ ધારણાથી વિપરીત કોઈ વાત કરે તો સ્વીકારી નથી શકાતું અને એને ખોટી સાબિત કરવામાં લાગી જઈએ છે. વ્યક્તિમાં સમયે સમયે પરિવર્તન આવે છે અને અમુક વર્ષ પહેલા જે વ્યક્તિ ને મળ્યા હોય એ જ વ્યક્તિ આજે અલગ જ હોય એવું બનવાની શક્યતા પૂરી છે અને વ્યક્તિ જેવી દેખાય તેવી ના હોય તેવું તો બનતું જ હોય છે. ભાગ્યે જ કોઈ એવું હોય જે આજીવન એક સરખું જ વ્યક્તિત્વ ધરાવે અથવા જેવી દેખાય તેવી હોય. અર્થાત વ્યક્તિની સાચી મુલવણી ત્યારે જ કરી શકો જયારે વ્યક્તિ ને પૂર્વધારણાઓ બાજુએ મુકીને મળી શકો.
જીંદગી માં ત્રણ પ્રકાર ના લોકો મળે છે,
1) જેમને કઈ ના કહો તો પણ તમારી વાત ને સમજી જાય. તેમને શાણા લોકો કહેવાય. માતા-પિતા,ખાસ મિત્રો અને પ્રેમીજનો આ પ્રકાર ના લોકોમાં આવે.
2) જેમને બધું કહો તો પણ કઈ ના સમજે. તેમને મૂરખા કહેવાય.
3) જેમને જે પણ કહો એનું ઉલટું જ સમજે અથવા વધારે પડતું જ સમજે. તેમને દેઢશાણા/દોઢડાહ્યા કેહવાય.
હું કયા પ્રકાર માં આવું એવું પૂછીને મને શરમિંદા ના કરવો. બાકી તો તમે જાણો જ છો આપણી લાયકાત.
અરેંજ મેરેજ માટે થતી મુલાકાતો માં વ્યક્તિ પોતાને પોતે જેવી વ્યક્તિ બનવા ઈચ્છે છે તેવી રજુ કરે છે નહિ કે પોતે જેવી વ્યક્તિ હોય તેવી.
સૌ કોઈ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા ઈચ્છે છે પણ હકીકત માં શ્રેષ્ઠ એ જ છે જે એકાંત માં અને જાહેર માં એક સમાન વ્યક્તિત્વ ધરાવે. જે પોતાને બહુ સારી વ્યક્તિ તરીકે રજુ કરે તેવી વ્યક્તિ થી હમેશા દુર રહેવું કારણ કે સંપૂર્ણ વ્યક્તિ તો શક્ય જ નથી અને જે વ્યક્તિ પોતે ખુબ સારો છે તેમ રજુ કરવા માંગતું હોય તે પોતાની જાત ને પણ છેતરે છે અને અન્યોને પણ.